પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ન્યૂ યોર્કના ભારતીય મૂળના એક પરિવારના ચાર સભ્યો શનિવાર મૃત હાલતમાં મળી આવ્યા હતાં. આ પરિવાર પશ્ચિમ વર્જિનિયામાં એક ધાર્મિક સ્થળ પર જતા માર્ગમાં ગુમ થયો હતો.

મૃતકોની ઓળખ આશા દિવાન (85), કિશોર દિવાન (89), શૈલેષ દિવાન (86) અને ગીતા દિવાન (84) તરીકે થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે પરિવાર 2009ની લાઇમ ગ્રીન ટોયોટા કેમરીમાં બફેલોથી પશ્ચિમ વર્જિનિયાના માર્શલ કાઉન્ટીમાં પ્રભુપાદના પેલેસ ઓફ ગોલ્ડ જઈ રહ્યો હતો.

શેરિફ ઓફિસે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે માર્શલ કાઉન્ટી શેરિફ માઇક ડૌહર્ટીએ પુષ્ટિ આપી છે કે ન્યુ યોર્કના બફેલોથી ગુમ થયેલા ચાર વ્યક્તિઓ વાહન અકસ્માત બાદ મૃત હાલતમાં મળી આવ્યા છે. પીડિતોની ઓળખ ડૉ. કિશોર દિવાન, આશા દિવાન, શૈલેષ દિવાન અને ગીતા દિવાન તરીકે કરવામાં આવી છે. પીડિતો અને અકસ્માતગ્રસ્ત વાહન શનિવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે (સ્થાનિક સમય) બિગ વ્હીલિંગ ક્રીક રોડ પરની એક ઢાળવાળા જગ્યા પરથી મળી આવ્યા હતા.

અહેવાલ મુજબ, આ વરિષ્ઠ નાગરિકો છેલ્લે 29 જુલાઈના રોજ પેન્સિલવેનિયાના બર્ગર કિંગ આઉટલેટમાં જોવા મળ્યા હતાં. બર્ગર કિંગ આઉટલેટના સીસીટીવી ફૂટેજમાં જૂથના બે સભ્યો રેસ્ટોરન્ટમાં પ્રવેશતા દેખાયા હતા, અને તેમના છેલ્લા જાણીતા ક્રેડિટ કાર્ડ વ્યવહાર પણ તે જ સ્થળે ટ્રેસ કરવામાં આવ્યા હતા.

સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર , ચારેય જણના ફોન 29 જુલાઈથી બંધ આવતાં તેઓ ગુમ થયા હોવાની શંકા થઈ હતી. તેમનું લાસ્ટ સિગ્નલ માઉન્ડ્સવિલેમાં જોવા મળ્યું હતું. તેમના ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાતાં માર્શલ કાઉન્ટીની પોલીસે તપાસ હાથ ધરી હતી. જેના માટે હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યા હતાં.

LEAVE A REPLY