India ranks 123rd in the list of countries that have reduced inequality

કમિટમેન્ટ ટુ રિડ્યુસિંગ ઈનઈક્વાલિટી ઈન્ડેક્સ (CRII)ની અસમાનતા ઘટાડનારા 161 દેશોની વૈશ્વિક યાદીમાં ભારતે છ ક્રમની છલાંગ લગાવી 123મો ક્રમ હાંસલ કર્યો છે. આ યાદીમાં નોર્વે ટોચ પર છે, ત્યારબાદ જર્મની અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.
ભારતમાં આર્થિક, સામાજિક સહિતની અસમાનતાઓ દૂર કરવા લેવાઈ રહેલા પગલાંના હકારાત્મક પરિણામો મળી રહ્યાં હોવાના સંકેત છે. જોકે આરોગ્ય ક્ષેત્રે સૌથી ઓછો ખર્ચ કરતાં દેશોમાં હજી પણ ભારતનો સમાવેશ થાય છે. 2022ના CRIIમાં કોવિડ -19 મહામારીના પ્રથમ બે વર્ષ દરમિયાન અસમાનતા સામે લડવા માટે 161 દેશોમાં સરકારી નીતિઓ અને પગલાં સમીક્ષા કરાઈ હતી.

ભારતનો એકંદર ક્રમ 2020ના 129 થી છ પોઇન્ટ સુધરીને 2022માં 123 થયો છે. વિકાસલક્ષી ખર્ચ દ્વારા અસમાનતા ઘટાડવાના સંદર્ભમં તે 12 સ્થાનના સુધારા સાથે 129મા ક્રમે પહોંચ્યું છે. પ્રગતિશીલ કરવેરાના મામલે ભારતનું સ્થાન ત્રણ ક્રમ સુધરી 16મું રહ્યું છે. દેશમાં રાષ્ટ્રીય લઘુતમ વેતનનું માળખું નહીં હોવાને પરિણામે લઘુતમ વેતનની યાદીમાં ભારત 73 ક્રમ પાછળ ધકેલાયું હતું.

અસમાનતા દૂર કરવા માટે કરતા જાહેર ખર્ચની અસરના મામલે ભારતે 27 ક્રમની છલાંગ લગાવી છે, જ્યારે અસમાનતાના સૂચકાંકોને ઘટાડવામાં કરની અસર મામલે ભારતે નોંધપાત્ર દેખાવ કરી 33 સ્થાનની આગેકૂચ કરી છે. ઓક્સફેમ ઇન્ટરનેશનલ એન્ડ ડેવલપમેન્ટ ફાયનાન્સ ઇન્ટરનેશનલ (ડીએફઆઇ) દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ઇન્ડેક્સમાં અસમાનતા ઘટાડવા માટે અસરકારક પુરવાર થયેલા ત્રણ ક્ષેત્રોમાં સરકારની નીતિઓ અને પગલાંની સમીક્ષા કરાય છે. જેમાં જાહેર સેવાઓ (આરોગ્ય, શિક્ષણ તથા સામાજિક સુરક્ષા) કર વ્યવસ્થા તથા શ્રમિકોના અધિકારનો સમાવેશ થાય છે.

ઈન્ડેક્સના આધારે ઓક્સફેમના અહેવાલમાં જણાવાયું છે કે આરોગ્ય સેવાઓ પાછળ સૌથી ઓછો ખર્ચ કરનારા દેશોમાં ફરીથી ભારતનો દેખાવ ચિંતાજનક રહ્યો છે અને તે સૌથી ઓછો ખર્ચ કરનાર દેશોમાં 5મા ક્રમે છે. ઈન્ડેકસમાં તે બે ક્રમ નીચે ઉતરી 157માં ક્રમે સરક્યું છે.

LEAVE A REPLY

four × 5 =