પ્રતિક તસવીર (Photo by Stefan Rousseau - Pool/Getty Images)

બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સને ભારતમાં ફાટી નીકળેલા કોરોનાવાયરસ રોગચાળા અને ભારતના નવા કોવિડ-19 વેરિયન્ટને ધ્યાનમાં રાખીને આવતા અઠવાડિયે નિર્ધારીત થયેલી ભારતની મુલાકાત રદ કરી હોવાની ભારતના વિદેશ મંત્રાલય (એમઇએ)એ જાહેરાત કરી હતી. વેપાર, રોકાણ અને ક્લાઇમેટ એક્શન ક્ષેત્રે ભારત-યુકેના સંબંધોને ફરીથી સશક્ત બનાવવા અને ભારત-યુકે વચ્ચેના ભાવિ જોડાણો માટેના મોટેભાગે સહમત એવા ‘રોડમેપ 2030’ને અંતિમ સ્વરૂપ આપવા વડા પ્રધાન બોરીસ જોન્સનની મુલાકાત ટૂંકાવીને સોમવાર, તા. 26 એપ્રિલના રોજ માત્ર એક દિવસની કરાઇ હતી.

સોમવારે એમઈએના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ‘’ભારતની પ્રવર્તમાન કોવિડ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુલાકાત રદ કરવા અંગે બંને પક્ષો દ્વારા પરસ્પર સમજૂતીથી નિર્ણય લેવામાં આવ્યો છે. પરિવર્તિત ભારત-યુકે સંબંધો માટેની યોજના અંગે બંને પક્ષો આગામી દિવસોમાં વર્ચુઅલ મીટિંગ કરશે. બંને નેતાઓ ભારત-યુકેની ભાગીદારીને તેની સંપૂર્ણ સંભાવના પર લઈ જવા માટે સૌથી વધુ મહત્વ આપે છે અને આ સંદર્ભમાં નજીકના સંપર્કમાં રહેવાની અને વર્ષના અંતમાં વ્યક્તિગત મીટીંગ કરશે.’’

ડાઉનિંગ સ્ટ્રીટે બ્રિટિશ અને ભારત સરકાર વતી સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે “હાલની કોરોનાવાયરસ પરિસ્થિતિના પગલે વડા પ્રધાન બોરીસ જોન્સન આવતા અઠવાડિયે ભારતનો પ્રવાસ કરી શકશે નહીં. બન્ને વડા પ્રધાનો મોદી અને જોન્સન યુકે અને ભારત વચ્ચેની ભાવિ ભાગીદારી માટેની તેમની મહત્વાકાંક્ષી યોજનાઓ અંગે સહમતી સાધવા અને તે યોજનાની જાહેરાત કરવા આ મહિનાના અંતમાં વાતચીત કરશે. આ ઉપરાંત પણ તેઓ નિયમિત સંપર્કમાં રહેશે અને તેઓ આ વર્ષના અંતમાં રૂબરૂ મળશે. યુકેમાંથી કોવિડ-19ના નવા વેરિયન્ટની ચિંતા અને વધતા રોગચળાને પગલે જોન્સન પર મુલાકાતને રદ કરવા દબાણ કરાઇ રહ્યું હતું.’’

સપ્તાહના અંતમાં, વિપક્ષ પાર્ટી લેબર પાર્ટીએ રવિવારે વડા પ્રધાન બોરીસ જોન્સનને આગામી રવિવારથી શરૂ થતી ભારતની પ્રત્યક્ષ મુલાકાત રદ કરવા હાકલ કરી ઝૂમ દ્વારા દૂરથી ચર્ચાઓ કરવા જણાવ્યું હતું.

લેબરના શેડો કોમ્યુનિટી સેક્રેટરી અને ક્રોયડન નોર્થના એમપી સ્ટીવ રીડે સ્કાય ન્યૂઝને કહ્યું હતું કે “મને એ ખબર નથી પડતી કે વડા પ્રધાન કેમ ઝૂમ દ્વારા ભારત સરકાર સાથે વાત કરતા નથી. જાહેર જીવનમાં આપણા બધાની જેમ વડા પ્રધાને પણ લોકો માટે દાખલો બેસાડવાની જરૂર છે.’’

એન્વાયર્મેન્ટ સેક્રેટરી જ્યોર્જ ઇયુસ્ટેસે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘’ભારતીય વેરિયન્ટ રસીની સુરક્ષાથી બચી શકે છે અથવા તો તે વધુ ચેપી છે તેના કોઈ પુરાવા મળ્યા નથી. જો કે તેનો અભ્યાસ કરવામાં આવશે. વેરિયન્ટને ‘વેરિયન્ટ અન્ડર ઈન્વેસ્ટિગેશન (વીયુઆઈ)’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે.

આ અગાઉ લંડનમાં ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે ‘’આ મુલાકાત દરમિયાન સંરક્ષણ અને સુરક્ષા, ઇન્ડો પેસીફીક એન્ડ વેસ્ટર્ન ઇન્ડિયન ઓશન રીજીયન (WIOR), વેપાર અને રોકાણો, આરોગ્ય સંભાળ, હવામાન પરિવર્તન સંબંધિત મુદ્દાઓ અને વ્યાપક ક્ષેત્રમાં ભાગીદારીને હકારાત્મક રૂપે પરિવર્તન લાવવામાં આવે તેવી અપેક્ષા છે. ગયા વર્ષ દરમિયાન કોવિડ-19 ઘટાડવાના પ્રયત્નો માટેનો ભારત-યુકેનો સફળ સહયોગ દ્વિપક્ષીય સંબંધમાં સિલ્વર લાઇન તરીકે ઉભરી આવ્યો છે. ઓક્સફર્ડ / એસ્ટ્રાઝેનેકા રસીના સંયુક્ત વિકાસ, ઉત્પાદન અને વિતરણમાં બન્ને દેશોને જોરદાર સફળતા મળી હતી.”

યુરોપિયન યુનિયન (ઇયુ)ના સભ્ય તરીકે બ્રેક્ઝિટ પછી બ્રિટનના વૈશ્વિક જોડાણના ભાગ રૂપે, બધાની નજર ભારત સાથે સૂચિત એન્હેન્સ્ડ ટ્રેડ પાર્ટનરશિપ (ઇટીપી) પર છે જે ભવિષ્યમાં બન્ને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો માર્ગ બનાવશે.

બ્રિટીશ વડા પ્રધાન થેરેસા મે છેલ્લે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વાટાઘાટ માટે નવેમ્બર, 2016માં મળ્યા હતા. જે મુલાકાત ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સના વિઝા માટે બ્રિટન દ્વારા આયોગ્ય વલણ અપનાવાયું હોવાના દૃષ્ટિકોણને કારણે અસફળ ગણાતી હતી. જો કે આ મુલાકાત બંને દેશો વચ્ચે લોકોના પ્રવાહ માટે સુવ્યવસ્થિત અને ઉદાર બની રહે તેવી અપેક્ષા છે.

આ અગાઉ જાન્યુઆરીમાં પ્રજાસત્તાક દિવસની પરેડના મુખ્ય મહેમાન તરીકે જોન્સનની મુલાકાત નિર્ધરીત કરાઇ હતી. પરંતુ તે વખતે યુકેમાં કોવિડ રોગચાળાના કારણે રદ કરાઇ હતી. જે ડિસેમ્બર 2019માં યુકેની સામાન્ય ચૂંટણી અને ડિસેમ્બર 2020ના અંતમાં થેયલા બ્રેક્ઝિટ સમાપ્તિ પછી યુરોપની બહાર જોન્સનની પહેલી મોટી દ્વિપક્ષીય મુલાકાત હતી.

જોન્સને, ભારતના વડા પ્રધાન મોદીને વિશેષ અતિથિ તરીકે તા. 11થી 13 જૂન દરમિયાન કોર્નવોલમાં યોજાનારી જી-7 સમિટમાં હાજરી આપવા નિમંત્રણ આપ્યું છે. જો મોદી શિખર સંમેલનમાં પધારશે તો તે તેમની પ્રથમ ફેસ ટુ ફેસ મુલાકાત હશે.