કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે રૂ.7,965 કરોડના શસ્ત્રો અને મિલિટરી ઇક્વિપમેન્ટની ખરીદીને મંજૂરી આપી છે. આ દરખાસ્તના ભાગરૂપે હિન્દુસ્તાન એરોનોટિક્સ પાસેથી 12 લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર્સ અને ભારત ઇલેક્ટ્રોનિક્સ પાસેથી લીનક્સ યુ-2 નવલ ગનફાયર કંટ્રોલ સિસ્ટમની ખરીદીનો પણ સમાવેશ થાય છે. ચીન સાથે સરહદ વિવાદ વચ્ચે ભારત સરકારે તેની શસસ્ત્રો દળોને વધુ મજબૂત બનાવાની તેમની ક્ષમતામાં વધારો કરી રહ્યું છે. શસ્ત્રો ખરીદવાની આ દરખાસ્ત આત્મનિર્ભર ભારત હેઠળની છે અને ભારતમાં ઉત્પાદિત હોય તેવા શસ્ત્રોની ખરીદી કરવામાં આવશે.

સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શસ્ત્રોની ખરીદી અંગેની સંરક્ષણ ખરીદી કાઉન્સિલ (ડીએસી)ની બેઠકમાં આ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. 12 હેલિકોપ્ટર્સ ઉપરાંત ભારત ઇલેક્ટ્રોનિક્સ પાસેથી લીનક્સ યુ-2 નવલ ગનફાયર કંટ્રોલ સિસ્ટમની પણ ખરીદવામાં આવશે. આ સિસ્ટમથી નૌકાદળના યુદ્ધજહાજની ટ્રેક અને યુદ્ધની ક્ષમતામાં વધારો થશે.

ડીએસીએ હિન્દુસ્તાન એરોનોટિક્સ દ્વારા ડોર્નિયર વિમાનના મિડલાઇફ અપગ્રેડેશનને પણ મંજૂરી આપી છે. તેનાથી દરિયાઇ સર્વેલન્સ અને દેખરેખમાં નૌકાદળની ક્ષમતામાં વધારો થશે.

નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આત્મનિર્ભર ભારતને વધુ વેગ આપવા માટે નૌકાદળની ગનની વૈશ્વિક બજારમાંથી ખરીદીની જરૂરિયાતને દૂર કરવામાં આવી છે. ભારત હેવી ઇલેક્ટ્રોનિકલ્સ દ્વારા ઉત્પાદિત આ ગનને અપગ્રેડ કરીને સુપર રેપિડ ગન માઉન્ટ (SRGM) બનાવવામાં આવી છે. આ ગન્સ ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજોમાં તૈનાત કરવામાં આવશે. SRGM ગન ઝડપથી ગતિ કરતાં ટાર્ગેટ પર પણ પ્રહાર કરી શકે છે.

સંરક્ષણ મંત્રાલયના નિવેદનમાં જણાવ્યા અનુસાર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના વડપણ હેઠળ સંરક્ષણ ખરીદી કાઉન્સિલ (ડીએસી)એ 2 નવેમ્બર 2021ના રોજ યોજાયેલી બેઠકમાં રૂ.7,965 કરોડની મૂડીખર્ચ સાથે શસસ્ત્ર દળોના આધુનિકરણ અને લશ્કરી કાર્યવાહીની જરૂરિયાત અંગેની દરખાસ્તને મંજૂરી આપી છે. આ તમામ દરખાસ્તો મેક-ઇન-ઇન્ડિયા હેઠળની છે. તેમાં ભારતમાં ડિઝાઇનિંગ, ડેવલપમેન્ટ અને ઉત્પાદિત શસ્ત્રો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.ચીન સાથે પૂર્વ લડાખમાં સરહદનો વિવાદ ચાલે છે ત્યારે ભારતના શસસ્ત્ર દળો માટે શસ્ત્રોની ખરીદીની આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.