foreign students to work more hours in the UK

યુક્રેન પર રશિયાના આક્રમણને પગલે યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને પોલેન્ડ કે હંગેરીના માર્ગે પરત લાવવાની ભારત સરકારે યોજના બનાવી છે.

આ અંગે ભારતના વિદેશ સચિવ સચિવ હર્ષ શ્રૃંગલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, યુક્રેનની વર્તમાન સ્થિતિ ગંભીર છે અને ત્યાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા સરકારની પ્રાથમિકતા છે. આ સંદર્ભે વડાપ્રધાન મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. તેઓ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે પણ ચર્ચા કરી હતી.

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા અંગે તેમણે જણાવ્યું કે, સરકાર પોલેન્ડ અને હંગરીના રસ્તે આપણા નાગરિકોને પાછા લાવવાની યોજના પર કામ કરી રહી છે. આ માટે વિદેશ પ્રધાન ડો. એસ જયશંકર પોલેન્ડ, રોમાનિયા, સ્લોવાકિયા હંગરીના વિદેશ પ્રધાનો સાથે વાતચીત કરી રહ્યા છે.

રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને લીધે યુક્રેન એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યું છે. આ કારણે ભારતીય નાગરિકોને લેવા જઈ રહેલી એર ઈન્ડિયાના ફ્લાઈટને પણ પાછા ફરવાની ફરજ પડી હતી. તાજેતરના એક રિપોર્ટ અનુસાર કીવમાં સ્થિત ઈન્ડિયન એમ્બેસીએ ભારતીય વિદ્યાર્થીઓની મદદ કરતાં 200થી વધારે વિદ્યાર્થીઓને દૂતાવાસ પાસેની એક શાળામાં સ્થળાતંર કર્યા છે.

વિદેશ સચિવે જણાવ્યું કે. યુક્રેનમાં સ્થિતિ સામે કેન્દ્ર સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે. સ્થિતિને પારખતાં સરકારે આશરે એક મહિના પહેલા યુક્રેનમાં ભારતીય નાગરિકોની નોંધણી કરવાનું શરૂ કર્યું હતું. ઓનલાઈન રજિસ્ટ્રેશનના આધારે ત્યાં આશરે 20 હજાર ભારતીયો હતા. જેમાંથી વિતેલા દિવસોમાં 4 હજાર નાગરિકો સ્વદેશ પાછા આવી ચૂક્યા છે. આ મુદ્દે દિલ્હીમાં MEA કંટ્રોલ રુમમાં 980 કોલ્સ અને 850 ઈમેલ્સ મળ્યા છે.