Jaahnavi Kandula (Image credit: GoFundMe)

અમેરિકાના સિએટલમાં ભારતીય વિદ્યાર્થી જાહ્નવી કંડુલાનું કાર દુર્ઘટનામાં મોત નિપજાવનારા પોલીસ અધિકારીને નિર્દોષ છોડી મૂકવાનો મુદ્દા ભારતીય દૂતાવાસે અમેરિકાના સત્તાવાળા સમક્ષ ઉઠાવ્યો છે. પ્રોસેક્યુશન એટર્નીએ જણાવ્યું હતું કે પૂરતા પુરાવાને અભાવે પોલીસ અધિકારી સામે કોઇ ગુનાહિત આરોપો નહીં મુકાય.

23 વર્ષની કંડુલા ભારતમાં તેલંગણના હૈદરાબાદની હતી. ગયા વર્ષે 23 જાન્યુઆરીએ સિએટલમાં તે રસ્તો ઓળંગી રહી હતી ત્યારે પોલીસ અધિકારી કેવિન ડેવે કારની ટક્કર મારતાં તે ફંગોળાઈને 100 ફૂટ દૂર જઈ પડી હતી અને તેનું ઘડનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસ કારની સ્પીડ પ્રતિકલાક 119 કિમીથી વધુની હતી. કંડુલા પોલીસ પેટ્રોલિંગ વાહન સાથે અથડાઈને 100 ફૂટ દૂર પટકાઈ હતી. વધુમાં અન્ય એક અધિકારીએ આ જીવલેણ અકસ્માતની હાંસી પણ ઉડાવી હતી અને ગુનાહિત તપાસની જરૂરિયાત પણ ફગાવી દીધી હતી.

બુધવારે કિંગ કાઉન્ટી પ્રોસિક્યુટર ઓફિસે જણાવ્યું હતું કે ફોજદારી કેસ સાબિત કરવા માટે પુરતા પુરાવાના અભાવે ડેવ સામે ફોજદારી આરોપો લગાવી શકાય તેમ નથી. સિએટલમાં ભારતના દૂતાવાસે કહ્યું હતું કે તે આ કેસની તપાસ પર નજર રાખી રહ્યું છે તથા કંડુલા અને તેના પરિવારને ન્યાય અપાવવા તેઓ તમામ શક્ય સહયોગ આપશે.

ભારતીય મિશને જણાવ્યું હતું કે અમે યોગ્ય ઉકેલ માટે સિએટલ પોલીસ સહિત સ્થાનિક સત્તાવાળાઓ સાથે પણ આ બાબત ભારપૂર્વક રજૂઆત કરી છે. આ કેસ હવે સમીક્ષા માટે સિએટલ સિટી એટર્નીની ઓફિસમાં મોકલાયો છે.
કંડુલાના પરિવારે જણાવ્યું હતું કે કિંગ કાઉન્ટી પ્રોસીક્યુટરની ઓફિસ સિએટલના પોલીસ અધિકારી સામે ગુનાહિત આરોપો નહીં મૂકતા અમને આઘાત લાગ્યો છે અને નિરાશ થયા છે. અમે જાહ્નવી માટે ન્યાય મેળવવા કાનૂની અધિકારોનો ઉપયોગ કરીશું.

ગયા સપ્તાહે બુધવારે, કિંગ કાઉન્ટી પ્રોસિક્યુટર ઓફિસે જણાવ્યું હતું કે તેઓ સિએટલ પોલીસ અધિકારી કેવિન ડેવ સામે ફોજદારી આરોપો નહીં લગાવે, એમ FOX13એ તેના અહેવાલમાં જણાવ્યું હતું.

બુધવારે એક નિવેદનમાં, કિંગ કાઉન્ટી પ્રોસીક્યુટીંગ એટર્નીએ જણાવ્યું હતું કે, “કંડુલાનું મૃત્યુ હૃદયદ્રાવક છે અને કિંગ કાઉન્ટી અને સમગ્ર વિશ્વમાં સમુદાયોને અસર કરે છે.” ઓફિસર ડ્રગ ઓવરડોઝ અંગેના કોલ પછી કલાકના લગભગ 120 કિ.મી.ની સ્પીડે કાર દોડાવી રહ્યો હતો.

સિએટલ પોલીસ ડીપાર્ટમેન્ટે રજૂ કરેલા બોડીકેમ ફૂટેજમાં, અધિકારી ડેનિયલ ઓડરરે જીવલેણ અકસ્માતની હાંસી ઉડાવી હતી અને ડેવની ભૂલ હોઈ શકે છે અથવા ફોજદારી તપાસ જરૂરી છે તેવા કોઈપણ સૂચિતાર્થ ફગાવી દીધા હતા. કિંગ કાઉન્ટી પ્રોસીક્યુટીંગ એટર્ની લીસા મેનિયોને જણાવ્યું હતું કે તે માને છે કે તેમની પાસે વાજબી શંકા છે, છતાં ફોજદારી કેસ સાબિત કરવા માટે પુરતા પુરાવા નથી એવું અહેવાલમાં ઉમેર્યું હતું.

LEAVE A REPLY

9 − 8 =