કોરોના મહામારીનો સામનો કરવામાં ભારતની સફળતા અને ચીનની નિષ્ફળતાની સરખામણી કરીને અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને ટોકિયોમાં ક્વાડ નેતાઓની સમીટના બંધબારણે યોજાયેલા એક સેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી.

વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ કોરોના મહામારીનો સામનો કરવામાં બાઇડને ભારતને સફળ ગણાવ્યું હતું અને ચીનને નિષ્ફળ ગણાવ્યું હતું. બાઇડનને જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીની સફળતા વિશ્વને દર્શાવે છે કે લોકશાહીથી પણ સારા કામ કરી શકે છે. મોદીની સફળતા એવી માન્યતાને દૂર કરે છે કે ચીન અને રશિયા વચ્ચે આપખુદ દેશો જ ઝડપથી બદલતા જતાં વિશ્વનો વધુ સારી રીતે સામનો કરી શકે છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ બાઇડનની આ ટીપ્પણી અગાઉથી નિર્ધારિત થયેલી ન હતી. બાઇડને તેમની તૈયારી ટીપ્પણી પહેલા આ ખાસ દરમિયાનગીરી કરી હતી. ક્વાડ દેશોની સમીટ બાદ મોદી અને બાઇડન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી.

જાપાનમાં ક્વાડ સમિટમાં US, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ કોરોના મહામારી દરમિયાન ભારતના કામ અને વેક્સિનની પ્રશંસા કરી હતી. બાઈડને મહામારીથી બહાર આવવામાં ચીન અને ભારતની સરખામણી કરતા ચીનને નિષ્ફળ હોવાનો કરાર આપ્યો છે. તેમણે કહ્યું કે વધુ વસ્તી હોવા છતાં ભારતે કોરોના પર લોકશાહીની પ્રણાલીથી કાબુ મેળવ્યો છે.
જાપાનના વડાપ્રધાન કિશિદાએ ભારતની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ક્વાડ વેક્સિન ઈનિશિએટિવ અંતર્ગત ભારતમાં બનેલી વેક્સિનને તાજેતરમાં જ થાઈલેન્ડ અને કંબોડિયા મોકલવામાં આવી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની આલ્બનીઝે જણાવ્યું હતું કે ભારતના વેક્સિન સપ્લાઈથી ઘણા દેશોને ફાયદો થયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- મને વિશ્વાસ છે કે આપણી વચ્ચે ઈન્ડિયા-USA ઈન્વેસ્ટમેન્ટ ઈન્સેન્ટિવ એગ્રીમેન્ટથી રોકાણના ક્ષેત્રમાં વધારો જોવા મળશે. બાઈડને જણાવ્યું હતું કે કે બંને દેશ ભેગા થઈને ઘણું બધુ કરી શકે છે અને હજી પણ કરશે. હું અમેરિકા-ભારતની ભાગીદારીને હજી પણ વધુ મજબુત બનાવવા માટે પ્રતિબદ્ધ છું.