ફાઇલ ફોટો (ANI Photo)

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેનો આ વર્ષનો કાર્યક્રમ જાહેર કર્યો છે, તે મુજબ ભારતીય ક્રિકેટ ટીમ આગામી નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે અને ત્યાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે પાંચ ટેસ્ટ મેચની સીરીઝ રમશે. તે સિવાય ઓસ્ટ્રેલિયાની ટીમ ઘરઆંગણે પાકિસ્તાન સામે વન-ડે અને ટી-20 સીરીઝ પણ રમશે.

ભારતના પ્રવાસની વિશિષ્ટ બાબત એ છે કે, ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓસ્ટ્રેલિયામાં પાંચ ટેસ્ટની સીરીઝ ઈતિહાસમાં પ્રથમ વખત રમાશે. સામાન્ય રીતે ઓસ્ટ્રેલિયામાં ભારતની ટેસ્ટ સીરીઝ ચાર મેચની રહેતી આવી છે.

બન્ને વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ 22 નવેમ્બરે પર્થમાં શરૂ થશે, તો બીજી ટેસ્ટ મેચ 6 ડીસેમ્બરથી એડિલેઈડમાં રમાશે, તે ડે-નાઈટ ટેસ્ટ રહેશે. ત્રીજી ટેસ્ટ 14 ડીસેમ્બરથી બ્રિસ્બેનમાં, ચોથી ટેસ્ટ મેલબોર્નમાં 26 ડીસેમ્બરથી અને પાંચમી તથા અંતિમ ટેસ્ટ મેચ સીડનીમાં ત્રીજી જાન્યુઆરી, 2025થી શરૂ થશે.

પ્રથમ અને બીજી ટેસ્ટ વચ્ચે મોટું અંતર રખાયું છે કારણ કે ભારતીય ક્રિકેટ બોર્ડે એડિલેઈડમાં ડે-નાઈટ ટેસ્ટ પહેલા ખેલાડીઓને પિંક બોલ સાથે પ્રેક્ટિસ મેચ રમાડવા ઈચ્છે છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 16 વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાઈ છે. તેમાંથી ભારતીય ટીમે 10 વખત અને ઓસ્ટ્રેલિયાએ 5 વખત ટ્રોફી જીતી છે. 2003-04માં રમાયેલી ટ્રોફી 1-1થી ડ્રો રહી હતી. ભારતીય ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે અત્યાર સુધીમાં 7 વખત ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી ચૂકી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમ 4 વખત અને ભારત 2 વખત વિજેતા રહી છે. એક સીરિઝ ડ્રો રહી છે.

LEAVE A REPLY

five × one =