લેઉવા પાટીદાર સમાજ ઓફ અમેરિકા ફફફઉ દ્વારા આગામી તા. 1 થી 3 ઓગસ્ટ દરમિયાન હયાત રીજન્સી DFW ઇન્ટરનેશનલ એરપોર્ટ, 2334 N. ઇન્ટરનેશનલ પાર્કવે, DFW એરપોર્ટ, TX 75261 ખાતે સંસ્થાની સ્થાપનાના 25મા વર્ષ પ્રસંગે મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ નેશનલ કન્વેન્શન અને ટ્રેડ શો સાથે શાનદાર ઉજવણી કરનાર છે. આ સંમેલનમાં હજારો લોકો ઉપસ્થિત રહેશે અને સાંસ્કૃતિક, સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

LPS 2025 સંમેલન સમાજના અગ્રણી નેતાઓ, પ્રોફેશનલ્સ અને પરિવારો સહિત 2,000 થી વધુ વ્યક્તિઓને એકસાથે લાવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઇ સેમિનાર, વર્કશોપ અને મનોરંજન અને નેટવર્કનો લાભ લઇ શકશે. આ કાર્યક્રમમાં વિવિધ વેન્ડર્સ, ખાણીપીણી, ઉત્પાદનો, સેવાઓ અને સાંસ્કૃતિક કલાકૃતિઓનો લાભ મળશે. તો  ઉપસ્થિતોને વિવિધ ડીલ્સ પર વાટાઘાટો કરવાની અને અનોખી વસ્તુઓ ખરીદવાની તક આપશે. સંમેલનનો દરેક દિવસ સાંસ્કૃતિક પ્રદર્શનોથી ભરેલો રહેશે, જેમાં પિંકી અને પ્રીતિ જેવા પ્રખ્યાત કલાકારો સાથે ગરબા, નૃત્યો અને એક લાઇવ ફેશન શોનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે ડૉ. કમલ મોરાર અને તેમની ટીમના નેતૃત્વ હેઠળ હેલ્થ મેલાનું આયોજન કરાયું છે જેમાં માનસિક સ્વાસ્થ્ય, મહિલા સ્વાસ્થ્ય અને અન્ય બાબતો અંગે સેમિનારનો સમાવેશ કરાયો છે. તો જય વસાવડા, તુષારિકા, ડૉ. રાજેશ્રી વોરા અને હિમાની શાહ સહિતના જાણીતા વક્તાઓ માનસિક સ્વાસ્થ્યથી લઈને કારકિર્દી વિકાસ સુધીના વિવિધ વિષયો પર મૂલ્યવાન વક્તવ્ય આપશે.

આ પ્રસંગે LPS ફાઉન્ડેશન સમુદાયના મુખ્ય આધારસ્તંભ સમાન દાતાઓનું સન્માન કરીને તેની રજત જયંતિની ઉજવણી કરશે. 2000માં સ્થાપિત આ ફાઉન્ડેશન, લેઉવા પાટીદાર સમુદાય માટે શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંવર્ધનને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. આ વર્ષે, ફાઉન્ડેશન તેના સમર્થકોનો હૃદયપૂર્વક આભાર માને છે અને સમગ્ર સમુદાયને ઉજવણીમાં જોડાવા માટે આમંત્રણ આપે છે.

આ પ્રસંગે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સાંસ્કૃતિક શિક્ષણથી લઈને યુવાનો માટે કારકિર્દી માર્ગદર્શનના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તો વોલીબોલ અને ગોલ્ફ જેવી રમતગમત સાથે બોર્ડ મીટિંગ્સ સુધીની દરેક બાબતોનો સમાવેશ કરાયો છે.

સંમેલનની શરૂઆત 31 જુલાઈના રોજ વેલકમ ડીનર અને હેલ્થ એજ્યુકેશન સેશન સાથે થશે. સમગ્ર વિકેન્ડ દરમિયાન રમતગમત ટુર્નામેન્ટ, માનસિક સ્વાસ્થ્ય સેમિનાર અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. અંતિમ દિવસે સંસ્થાનું નેતૃત્વ કરતા વર્તમાન પ્રમુખ જગદીશભાઈ પટેલ શાસનધૂરા દિપક પટેલને સોંપશે. જેઓ યુએસએના એલપીએસ માટે એક નવો અધ્યાય શરૂ કરશે.

આ નોંધપાત્ર કાર્યક્રમ માટે એલપીએસ સમુદાયના તમામ સભ્યો, વર્તમાન અને ભૂતકાળના ટ્રસ્ટીઓ, તેમજ મિત્રો અને પરિવારોને સંસ્કૃતિ, એકતા અને સિદ્ધિઓની ઉજવણી માટે ડલ્લાસમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે અને કાર્યક્રમને યાદગાર પ્રસંગ બનવાનું વચન આપ્યું છે.

• વધુ માહિતી માટે: www.lpsofusa.com ની મુલાકાત લો અથવા ઇમેઇલ [email protected] પર સંપર્ક કરો.

LEAVE A REPLY