ભારતના 71માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે ગીલ્ડહોલ ખાતે સોમવારે (27 જાન્યુઆરી) યોજાયેલા એક સમારંભને સંબોધન કરતાં યુકેની સત્તાધારી કન્ઝર્વેટીવ પાર્ટીના અધ્યક્ષ જેમ્સ ક્લેવર્લીએ કહ્યું હતું કે, હવે બન્ને દેશોમાં મહત્ત્વાકાંક્ષાની એક નવી લહેર ફરી વળી છે, યુકે હવે ભારત સાથે એક આધુનિક, ફૂલીફાલી શકે તેવી ભાગીદારીનું નિર્માણ કરવા કૃતનિશ્ચયી છે.
વડાપ્રધાન બોરિસ જ્હોન્સન એક આંતરાષ્ટ્રીય દ્રષ્ટિકોણ ધરાવતા નેતા છે અને ખૂબજ દિલથી એવું માને છે કે, હવે યુરોપિયન યુનિયનના સભ્યપદનો ત્યાગ કર્યા પછી તેની બહાર જીવનમાં જે કોઈ તકો પ્રાપ્ય હોય તેનો પુરેપુરો લાભ લેવો જોઈએ. આ સમાચારો વાંચકોના હાથમાં પહોંચશે ત્યારે બ્રિટન ઈયુને રામરામ કરી ચૂક્યું હશે.
તેમણે ફક્ત બ્રિટનની રાષ્ટ્રીય સફળતા જ નહીં, રાષ્ટ્રીય સંસ્કૃતિમાં પણ ઉમદા પ્રદાન બદલ બ્રિટિશ ભારતીય સમુદાયની પ્રશંસા કરી હતી. ટોરી પાર્ટીના નેતાએ કહ્યું હતું કે, ભારતીય બ્રિટિશર્સની હાઉસ ઓફ કોમન્સમાં સંસદ સભ્યોની સંખ્યા 15 છે, તો સરકારમાં, કેબિનેટમાં પણ ત્રણ ભારતીય બ્રિટિશ મિનિસ્ટર્સ છે. યુકેના ઈતિહાસમાં આ સૌથી વધુ દેશી પ્રતિનિધિત્વ ધરાવતી કેબિનેટ છે.
જેમ્સ ક્લેવર્લીએ ભારત સાથેના યુકેના સહયોગના ક્ષેત્રો વિષે વાત કરતાં જણાવ્યું હતું કે, ક્લાઈમેન્ટ ચેન્જનો સામનો કરવા અને ટેકનોલોજીમાં બન્ને મહત્ત્વના સાથીઓ છે. અમારી ભારત સાથેની 21મી સદીની ભાગીદારીનો પાયો અને વ્યાપ સંપૂર્ણપણે ભવિષ્ય લક્ષી છે. હું જાણું છું કે સાથે રહીને આપણે મહાન સિદ્ધિઓ હાંસલ કરવાની ક્ષમતા ધરાવીએ છીએ.
અમે સંબંધોમાં વૃદ્ધિ માટે ભરપૂર ક્ષમતા નિહાળી રહ્યા છીએ અને તે ઉપરાંત પણ ભારતનું અર્થતંત્ર તો આજે વિશ્વસમાં સૌથી વધુ ઝડપે વિકસતા અર્થંતંત્રોમાંનું એક છે. વાસ્તવિકતા તો એ છે કે, આપણે આ વાત કરીએ છીએ ત્યારે જ ભારત કદાચ ફ્રાન્સ અને યુકેથી આગળ નિકળી ગયું હોય, વિશ્વનું પાંચમાં ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની ચૂક્યું હોય તો નવાઈ નહીં. આ એક મહત્ત્વનું કારણ છે કે આપણે ભારત સાથેના વેપાર સંબંધોનો વ્યાપ વધુ વિસ્તૃત બનાવીને ભવિષ્યમાં વધુ મહત્ત્વાકાંક્ષી વેપાર સહયોગનું નિર્માણ કેવી રીતે કરી શકીશું તે દિશામાં નજર દોડાવી રહ્યા છીએ.
બ્રિટન હવે બન્ને દેશો માટે લાભદાયક હોય તે રીતે સંબંધો વધારવા ઉપર નજર માંડી રહ્યું છે, તેનું એક મહત્ત્વનું પાસું છે ભારતના યુવા વર્ગની ઉચ્ચ શિક્ષણની મહત્ત્વાકાંક્ષી પૂર્ણ કરવાનું. ટોરી સાંસદે એમ પણ જણાવ્યું હતું કે, ગયા વર્ષે જ ભારતીયોની યુકેમાં અભ્યાસ માટેની વીસા અરજીઓમાં 63 ટકાનો જબરજસ્ત વધારો થયો હતો, તો વિઝિટર વીસામાં 10 ટકા અને વર્ક વીસામાં બે ટકાનો વધારો થયો હતો.
હવે અમે નવા અભ્યાસ પછીના વર્ક વીસાની જે સુવિધા રજૂ કરવાના છીએ, તેના આધારે યુવા ગ્રેજ્યુએટ્સને અહીં અભ્યાસ પછી જોબ મળે તો તેઓ સ્કિલ્ડ વર્કર તરીકે રહી શકશે. ભારત-યુકે સંબંધોમાં આ એક મહત્ત્વનું સકારાત્મક પગલું બની રહેશે. બન્ને દેશો પાસે સર્વગ્રાહી શક્તિઓ અને ક્ષમતાઓ છે અને અમે બે મહાન દેશોના લોકોના વ્યાપક ભલા માટે તે બન્નેના સંયોજનની ખાતરી આપીએ છીએ.
ભારત સાથેના સંબંધો હવે વધુ મહત્ત્વનાઃ તારિક અહમદ
ફોરેન અને કોમનવેલ્થ ઑફિસના મિનિસ્ટર લોર્ડ તારિક અહમદે મહેમાનોને જણાવ્યું હતું કે ‘’ભારત અને બ્રિટન માટે ક્લાયમેટ ચેન્જ, વેપાર, હેલ્થકેર, શિક્ષણ અને લોકો સાથેના જોડાણના ક્ષેત્રે વિશાળ તકો છે. તે મારા માટે એક વિશેષ પ્રાધાન્યતા છે કારણ કે હું ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો માટે જવાબદાર મિનિસ્ટર છુ. ઘણા ક્ષેત્રોમાં ભાગીદાર તરીકે ભારત સાથેના સંબંધો અગાઉ કરતા હવે વધુ મહત્વના છે.”
તેમણે મહાત્મા ગાંધીજીનુ સુવાક્ય ‘પોતાને શોધવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમારી જાતને બીજાની સેવા કરવામાં ગુમાવી દેવી’ ટાંક્યુ હતુ. તે શબ્દો વિશ્વસનીય છે કારણ કે તે ભારતના બંધારણની સ્થાપના સમયે હતા, તેટલા આજે પણ પ્રસ્તુત છે.”