વિશ્વભરમાં ટ્રેડ વોર ચાલી રહ્યું છે ત્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર માટે વોશિંગ્ટનમાં 23 એપ્રિલથી ત્રણ દિવસની મંત્રણાનો પ્રારંભ થશે. આ વાટાઘાટોમાં ટેરિફ, નોન ટેરિફ અવરોધો અને કસ્ટમની સરળતા સહિતના આશરે 19 પ્રકરણોને આવરી લેવામાં આવશે, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિતના દેશો પરની જંગી ટેરિફને 90 દિવસ માટે સ્થગિત કરી છે ત્યારે આ સમયગાળાનો ઉપયોગ કરીને ભારત મંત્રણાને વેગ આપવા માગે છે અને ભારતની સત્તાવાર ટીમ અમેરિકાની મુલાકાતે છે. આ મંત્રણામાં મતભેદોને દૂર કરવાનો પ્રયાસ કરાશે. આ પછી દ્વિપક્ષીય વેપાર કરાર (બીટીએ) માટે વિધિવત રીતે મંત્રણા ચાલુ થશે.
બંને દેશો વચ્ચેની પ્રથમ રૂબરુ મંત્રણા માટે ભારતીય ટીમની આગેવાની વાણિજ્ય વિભાગમાં અધિક સચિવ રાજેશ અગ્રવાલ કરશે. અગ્રવાલની 18 એપ્રિલે નવા વાણિજ્ય સચિવ તરીકે નિમણૂક કરાઈ હતી અને તેઓ 1 ઓક્ટોબરથી પદ સંભાળશે.
અધિકારીએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે ટેરિફ, નોન ટેરિફ અવરોધ, રૂલ ઓફ ઓરિજિન, ગૂડ્સ, સર્વિસ, કસ્ટમ સરળતા અને નિયમનકારી સહિતના મુદ્દે મંત્રણા થશે. વેપાર કરારની સામાન્ય રૂપરેખા પર ચર્ચા થશે, જેથી 90 દિવસમાં તેને આખરી ઓપ આપી શકાય.
વોશિંગ્ટનમાં આ ત્રણ દિવસની મંત્રણાનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે તાજેતરમાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્રે જાહેર કરેલ 90 દિવસના ટેરિફ વિરામમાં બંને દેશો વચ્ચે એક વચગાળાનો વેપાર કરાર થઈ શકે છે. જોકે તે બંને દેશો માટે ફાયદાકારક હોવો જોઇએ.
ગયા મહિને બંને દેશો વચ્ચે વેપાર મંત્રણા થઈ હતી. 25થી 29 માર્ચે અમેરિકાના દક્ષિણ અને મધ્ય એશિયાના સહાયક વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લીન્ચની આગેવાની હેઠળનું એક પ્રતિનિમંડળ ભારત આવ્યું હતું. બંને દેશો 90 દિવસની ટેરિફ વિરામનો ઉપયોગ કરવા માટે આતુર છે.
