ભારતમાં ખેડૂતોના આંદોલનને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સમર્થન આપતાં ભારતે શુક્રવારે કેનેડાના હાઈ કમિશનરને બોલાવીને ચીમકી આપી હતી કે, ભારતની આંતરિક બાબતોમાં કેનેડાના નેતાઓની ટિપ્પણીને કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં નહી આવે. જો આ પ્રકારના નિવેદનો ચાલુ રહેશે તો તો બંને દેશના સબંધોને ગંભીર અસર પડી શકે છે. ભારતે જણાવ્યું હતું કે કેનેડા નેતાઓના નિવેદન ભારતની બાબતોમાં અસ્વીકાર્ય દખલગીરી છે.

અગાઉ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતમાં ખેડૂતોનુ સમર્થન કરતા કહ્યું હતું કે, કેનેડા શાંતિપૂર્વક રીતે થતા પ્રદર્શન માટેના અધિકારોની હંમેશા તરફેણ કરે છે. ભારતમાં સ્થિતિ ચિંતાજનક છે અને અમે પરિવાર તથા મિત્રોને લઈને પરેશાન છીએ.

ટ્રુડોએ કેનેડામાં રહેતા પંજાબીઓની સહાનૂભૂતિ મેળવવા માટે દરમિયાનગીરી કરી હોવાનું માનવામાં આવે છે. કેનેડાના સંરક્ષણ પ્રધાનેએ પણ સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, શાંતિપૂર્ણ રીતે થતા દેખાવો પર અત્યાચાર ચિંતાજનક કહી શકાય તેવી બાબત છે. લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધને મંજૂરી હોય છે અને હું આ અધિકારની તરફેણમાં છું.