રોહિત શર્માના સુકાનીપદે ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે દુબઈમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને રસાકસીભર્યા મુકાબલામાં ચાર વિકેટે હરાવી રેકોર્ડ ત્રીજીવાર આ તાજ ધારણ કર્યો હતો. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં અજેય રહી હતી. ભારતે 12 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફી હાંસલ કરી હતી. ન્યૂઝીલેન્ડે 7 વિકેટે 251 રન કર્યા હતા, તેના જવાબમાં ભારતે 49 ઓવરમાં, એક ઓવર બાકી હતી ત્યારે છ વિકેટે 254 રન કરી ટ્રોફી ઉપર કબજો જમાવ્યો હતો.
ન્યૂઝીલેન્ડના સુકાની સાન્ટેનરે ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો. ઓપનર્સ યંગ અને રચિન રવીન્દ્રે ધમાકેદાર શરૂઆત તો કરી હતી, પણ રોહિતે સ્પિનર્સને બોલિંગ સોંપ્યા પછી વરૂણ ચક્રવર્તીએ હંમેશાની જેમ આઠમી ઓવરમાં યંગને વિદાય કર્યો હતો. એ પછી 11મી ઓવરમાં કુલદીપ યાદવે પોતાની પહેલી જ ઓવરમાં પહેલા બોલે જોખમી બની રહેલા રચિનને બોલ્ડ કર્યો હતો, તો પછીની ઓવરમાં પીઢ અને એટલા જ જોખમી કેન વિલિયમસનને વિદાય કર્યો હતો.
આ રીતે, વિના વિકેટે 57થી 75 રનમાં ત્રણ વિકેટનો સ્કોર આવતાં ન્યૂઝીલેન્ડનો રનરેટ ધીમો પડી ગયો હતો અને રોહિતે થોડી થોડી ઓવરના અંતે ભારતના ચારેય સ્પિનર્સને બોલિંગ આપી ન્યૂઝીલેન્ડના બેટર્સને જાણે ત્રાટકમાં બાંધી દીધા હતા. ડેરીલ મિચેલે ખૂબજ સંભાળપૂર્વક રમી 63 રન કર્યા હતા, તો માઈકલ બ્રેસવેલ 40 બોલમાં 53 કરી અણનમ રહ્યો હતો. તે સિવાય રચિને બોલમાં 37 અને ગ્લેન ફિલિપ્સે 52 બોલમાં 34 કર્યા હતા. ભારત તરફથી વરૂણ અને કુલદીપે બે-બે તથા મોહમદ શમી અને રવીન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ લીધી હતી.
ભારતીય ઓપનર્સ – સુકાની રોહિત શર્મા અને ઉપસુકાની શુભમન ગિલે હંમેશાની જેમ આક્રમક શરૂઆત કરી આ વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓપનિંગ વિકેટની ભાગીદારીમાં 105 રન કરી સર્વોચ્ચ પાર્ટનરશિપનો રેકોર્ડ કર્યો હતો. 17મી ઓવરમાં ભારતે વિના વિકેટે 100 રન કર્યા ત્યારે રોહિતનો સ્કોર તેમાં 68 રનનો હતો. ગિલ 50 બોલમાં 31 રન કરી વિદાય થયો હતો.
જો કે, ન્યૂઝીલેન્ડે પણ સ્પિનર્સને બોલિંગ સોંપ્યા પછી અને ગિલ તથા કોહલીની વિકેટો ઝડપથી ગુમાવ્યા પછી રોહિત અને શ્રેયસ ઐયર પણ સાવચેતીપૂર્વકની રમતના કારણે ખૂબજ ધીમા પડી ગયા હતા. કોહલી 106 રનના સ્કોરે 19.1 ઓવરે વિદાય થયો હતો અને પછી તદ્દન ધીમી, રોહિત માટે થોડી અસ્વાભાવિક બેટિંગના પગલે રોહિત 7 ઓવર પછી, 26.1 ઓવરે વિદાય થયો ત્યારે ભારતનો સ્કોર માંડ 122 રને પહોંચ્યો હતો.
શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કે. એલ. રાહુલ અને હાર્દિક પંડ્યાએ જો કે બાજી સંભાળી લીધી હતી અને ટીમને ટ્રોફીની મંઝિલે પહોંચાડી દીધી હતી. રવીન્દ્ર જાડેજાએ ચોગ્ગારૂપે વિનિંગ સ્ટ્રોક ફટકાર્યો તે સાથે જ મેદાન ઉપર, ડ્રેસિંગ રૂમમાં, સ્ટેડિયમમાં અને તેની બહાર તેમજ દુબઈમાં, સમગ્ર ભારતમાં અને વિદેશોમાં પણ ભારતીય ક્રિકેટ ચાહકોએ ફટાકડા ફોડી વિજયોત્સવ ઉજવ્યો હતો.
રોહિત શર્માને પ્લેયર ઓફ ધી મેચ તથા ન્યૂઝીલેન્ડના રચિન રવીન્દ્રને પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર કરાયા હતા.
