બ્રિસ્બેનમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટી-20 મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી છે. શનિવારે ફક્ત 4.5 ઓવર રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 52 રન બનાવ્યા હતા. ત્યારબાદ મેચ ફરી શરૂ થઈ શકી ન હતી. આ સાથે, ભારતીય ટીમે પાંચ મેચની શ્રેણી 2-1 થી જીતી લીધી છે. બ્રિસ્બેનના ઐતિહાસિક ગાબા ખાતે રમાયેલી આ મેચમાં, ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. શુબમન ગિલ અને અભિષેક શર્માએ ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયાનો સ્કોર પ્રથમ ચાર ઓવરમાં ઝડપથી 47 સુધી પહોંચી ગયો. પાંચમી ઓવરનો પાંચમો બોલ ફેંકાયા પછી, ભારે વરસાદને કારણે રમત અટકાવવા આવી હતી. લગભગ 2 કલાક અને 15 મિનિટ સુધી મેચ ફરી શરૂ ન થઈ શકી, ત્યારબાદ મેચ રદ્દ જાહેર કરવામાં આવી. અગાઉ, શ્રેણીની પ્રથમ મેચ પણ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.













