અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે શુક્રવારે રમાયેલી પાંચમી અને અંતિમ ટી20 ક્રિકેટ મેચમાં પ્રવાસી સાઉથ આફ્રિકાને 30 રનથી હરાવીને પાંચ મેચની આ સિરીઝ 3-1થી જીતી લીધી હતી. હાર્દિક પંડ્યાએ વિક્રમી અડધી સદી ફટકારી હતી. વરુણ ચક્રવર્તીએ વેધક બોલિંગ કરી હતી.
સાઉથ આફ્રિકાએ ટોસ જીત્યા બાદ ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં પાંચ વિકેટે 231 રનનો વિશાળ સ્કોર રજૂ કર્યો હતો જેના જવાબમાં સાઉથ આફ્રિકન ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 201 રન કર્યા હતા. વર્તમાન સિરીઝમાં ભારતે પહેલી અને ત્રીજી મેચ જીતી હતી તો સાઉથ આફ્રિકાએ બીજી મેચ જીતી હતી. ચોથી મેચ ભારે ધુમ્મસને કારણે રદ કરાઈ હતી. સાઉથ આફ્રિકા માટે ઓપનર ક્વિન્ટન ડી કોક અને રેઝા હેન્ડ્રિક્સે અત્યંત વેગીલી શરૂઆત કરી હતી. બંનેએ માત્ર 3.3 ઓવરમાં ટીમના 50 રન પૂરા કરી દીધા હતા. આ તબક્કે અર્શદીપ સિંઘની બીજી અને ટીમની ત્રીજી ઓવર ભારતને ભારે પડી ગઈ હતી જેમાં તેણે 23 રન આપી દીધા હતા. ડી કોક વધુ આક્રમકતાથી બેટિંગ કરી રહ્યો હતો. તેણે માત્ર 30 બોલમાં તેના 50 રન પૂરા કર્યા હતા. જોકે સાતમી ઓવરમાં પહેલી વિકેટ પડ્યા બાદ સાઉથ આફ્રિકાનો ધબડકો થયો હતો. 11મી ઓવરમાં એક વિકેટે 120 રનના સ્કોરથી પ્રવાસી ટીમનો ધબડકો થયો હતો. 13મી ઓવર સુધીમાં તેણે 135 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહે એક એક વિકેટ લીધી હતી તો પહેલી વિકેટ લેનારા વરુણ ચક્રવર્તીએ 13મી ઓવરમાં ઉપરા ઉપરી બોલમાં એઇડન માર્કરમ અને ડોનોવાન ફરેરાને આઉટ કર્યા હતા.

 

LEAVE A REPLY