કેપ્ટન મિતાલી રાજ, યસ્તિકા ભાટિયા અને હરમનપ્રીતની અડધી સદી છતાં ઓસ્ટ્રેલિયા સામેની મહિલા વર્લ્ડ કપ ક્રિકેટની લીગ મેચમાં ભારતનો છ વિકેટે પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયાએ સતત પાંચમી મેચ જીતીને સેમિ ફાઈનલમાં પ્રવેશ નિશ્ચિત કર્યો હતો. ભારત માટે પાંચમી મેચમાં આ ત્રીજો પરાજય હતો. ભારત જો કે, પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે.
ભારતના ૭ વિકેટે ૨૭૭ના સ્કોર સામે ઓસ્ટ્રેલિયાની ટીમે ૪૯.૩ ઓવરમાં ચાર વિકેટે ૨૮૦ રન કર્યા હતા. કેપ્ટન મેગ લેનિંગે ૧૦૭ બોલમાં ૧૩ ચોગ્ગા સાથે ૯૭ રન કર્યા હતા. તે ફક્ત ત્રણ રનથી સદી ચૂકી ગઈ હતી, મેઘના સિંઘે તેને એ બહુમાનથી વંચિત રાખી હતી. પ્લેયર ઓફ ધ મેચ તેને જ જાહેર કરાઈ હતી. મિચેલ સ્ટાર્કની પત્ની એલિસા હિલીએ ૬૫ બોલમાં ૯ ચોગ્ગા સાથે ૭૨ તથા રાચેલ હાયનેસે ૪૩ રન કર્યા હતા. ભારત તરફથી પૂજા વસ્ત્રાકરે બે વિકેટ ઝડપી હતી. ભારતીય ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી કારકિર્દીની ૨૦૦મી વન-ડે રમી હતી, પણ આ યાદગાર મેચમાં તેને એક પણ વિકેટ મળી નહતી.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતુ. સ્મૃતિ મંધાના ૧૦ અને શેફાલી ૧૨ રન કરી પેવેલિયન ભેગા થઈ ગયા હતા. યસ્તિકા અને મિતાલીએ ૧૩૦ રનની ભાગીદારી કરી હતી. આખરી ઓવરોમાં હરમનપ્રીત અને પૂજા વસ્ત્રાકરે ૪૬ બોલમાં અણનમ ૬૪ રન કરતા ભારતનો સ્કોર ૭ વિકેટે ૨૭૭ થયો હતો. ડાર્સી બ્રાઉને ત્રણ અને એલેના કિંગે બે વિકેટ ઝડપી હતી.ભારતે હવે બાકીની બે – બાંગ્લાદેશ સામેની ૨૨મી માર્ચની અને સાઉથ આફ્રિકા સામેની ૨૭મી માર્ચની મેચ જીતવી જ પડશે.














