ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધના તણાવ દરમિયાન ઇન્ડિયન એરફોર્સ દ્વારા ઉત્તરપ્રદેશના શાહજહાંપુરના ગંગા એક્સપ્રેસવે પર શુક્રવારે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જલાલાબાદમાં બનેલા 3.5 કિમીના રનવે પર રાફેલ, જેગુઆર, સુખોઈ, મિરાજ-2000, મિગ-29, C-130J, AN-32 અને MI-17 V5 હેલિકોપ્ટરે લેન્ડિંગ અને ટેકઓફ કર્યું. બપોરે 12:41 વાગ્યે AN-32 વિમાને લેન્ડિંગ કરી, પાંચ મિનિટ પછી એક વાગ્યે ટેકઓફ કર્યું. વાયુસેનાના હેલિકોપ્ટરે પણ રનવે પર ઉતરાણ કર્યું હતું.
આ એરશોમાં દોઢ કલાક સુધી લડાકૂ વિમાનોએ હવામાં કરતબ બતાવ્યા હતા. રાત્રે 7થી 10 વાગ્યા દરમિયાન દેશના ઈતિહાસમાં પ્રથમ વખત એક્સપ્રેસવે પર નાઈટ લેન્ડિંગ થશે, જેના માટે કટરા-જલાલાબાદ રૂટ બંધ રહેશે. આ પરીક્ષણનો હેતુ યુદ્ધ કે ઇમરજન્સીમાં એક્સપ્રેસવેને રનવે તરીકે ઉપયોગ કરવાનો છે. 250 સીસીટીવી કેમેરાથી સુરક્ષિત આ રનવે દેશનો પ્રથમ દિવસ-રાત લેન્ડિંગ કરાવવાની ક્ષમતા ધરાવે છે. સવારે વાવાઝોડા અને વરસાદને કારણે એર શો મોડો શરૂ થયો, પરંતુ હવામાન સુધરતાં લેન્ડિંગ શરૂ થયું હતું. 594 કિમી લાંબો ગંગા એક્સપ્રેસવે મેરઠથી પ્રયાગરાજ સુધી જાય છે અને નવેમ્બર 2025માં ખુલશે.

LEAVE A REPLY