ભારતમાં એપ્રિલ મહિનામાં GST વસૂલાતમાં રેકોર્ડ વધારો નોંધાયો છે. GST વસૂલાતમાં માર્ચ મહિનાની સરખાણણીમાં 20.7 ટકા વધારો જોવા મળ્યો છે, જ્યારે ગયા વર્ષની તુલનામાં એપ્રિલમાં GST વસૂલાત 12.6 ટકા વધી છે. એપ્રિલ 2025માં કુલ વસૂલાત રૂ. 2.37 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. દેશમાં એપ્રિલ, 2024માં જીએસટી વસૂલાત રૂ. 2.10 લાખ કરોડ રહી હતી, જે 1 જુલાઈ, 2017થી, જ્યારે GST લાગુ કરવામાં આવ્યો હતો, ત્યારથી બીજી સૌથી મોટી વસૂલાત હતી. માર્ચ, 2025 દરમિયાન કુલ વસૂલાત રૂ. 1.96 લાખ કરોડ રહી હતી. ઘરેલુ ટ્રાન્ઝેક્શનમાં જીએસટી આવક 10.7 ટકા વધીને અંદાજે રૂ. 1.9 લાખ કરોડ થઈ, જ્યારે આયાતી માલ પરથી આવક 20.8 ટકા વધીને રૂ. 46,913 કરોડ થઈ ગઈ. એપ્રિલ દરમિયાન રીફંડ ઇસ્યુ કરવાનું પ્રમાણ 48.3 ટકા વધીને રૂ.27,341 કરોડ થયું છે.
ગયા મહિને માર્ચમાં GST વસૂલાતમાં ફેબ્રુઆરીની તુલનામાં 10 ટકા વધારો થયો હતો અને વસૂલાત 11 મહિનાના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી. આંકડાઓ અનુસાર માર્ચમાં રીફંડ પછી નેટ વસૂલાતમાં નવ ટકા વધારો થયો હતો અને કુલ ચોખ્ખી વસૂલાત રૂ. 1.76 લાખ કરોડ રહી હતી.
