પ્રવિણ રાવજીભાઈ પટેલ શેફિલ્ડ, અલાબામામાં હિલક્રેસ્ટ મોટેલના માલિક હતા.

અલાબામાના હોટેલીયર પ્રવિણ રાવજીભાઈ પટેલની ગયા સપ્તાહે ગોળી મારીને હત્યા કરાઈ હતી. રૂમની માંગણી કરતા એક વ્યક્તિ સાથેના સંઘર્ષ પછી આ ઘટના બની હતી. આ ઘટનામાં 34 વર્ષીય વિલિયમ જેરેમી મૂરની ધરપકડ કરાઈ હતી. ઇન્ડિયન અમેરિકન હોટેલ માલિકોની આવી શ્રેણીબદ્ધ હત્યાના ત્રણ વર્ષ પછી વધુ ઘટના બની હતી.

75 વર્ષના પ્રવિણ ભાઇ પટેલ શેફિલ્ડમાં હિલક્રેસ્ટ મોટેલના માલિક હતાં. ગયા ગુરુવારે (8) મૂર મોટેલમાં આવ્યો હતો અને રૂમની માગણી કરી હતી ત્યારે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.

શેફિલ્ડ પોલીસ વડા રિકી ટેરીએ જણાવ્યું હતું કે તે સમયે મૂરે હેન્ડગન કાઢી અને પ્રવિણભાઇ પટેલને ગોળી મારી હતી. મૂર ત્યજી દેવાયેલા મકાનમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે પોલીસે 13મી એવન્યૂ પર તેને ઝડપી લીધો હતો. મૂરની તપાસ કરતાં તેના કબજામાંથી હત્યાનું હથિયાર મળી આવ્યું હતું.

પ્રવીણભાઇ પટેલની મોટેલ નજીક વાળંદ તરીકે કામ કરતા જેમેરીઝ ઓવેન્સે એક સ્થાનિક સમાચાર સ્ટેશનને જણાવ્યું હતું કે તેને ત્રણ ગોળીબારના અવાજ સાંભળ્યા હતાં.

આ મામલામાં મૂરને શેફિલ્ડ સિટી જેલમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં સુધી વોરંટ જારી ન થાય ત્યાં સુધી મૂરને શેફિલ્ડ સિટી જેલમાં રખાશે અને પછી તેને કોલબર્ટ કાઉન્ટી જેલમાં લઈ જવામાં આવશે.

સોમવારે (12) એલાબામાના ટસ્કમ્બિયામાં મોરિસન ફ્યુનરલ હોમ ખાતે પ્રવીણભાઇ પટેલની અંતિમવિધિ કરાઈ હતી. તેમના પરિવારમાં તેમના પત્ની રેણુકાબેન પટેલ અને બાળકો નીતલ પટેલ (સંદીપ) અને નિર્મલ પટેલ (જીનલ) છે. તેમને ત્રણ ભાઈઓ હર્ષદ, ઈન્દ્રવદેન અને હરેન્દ્ર પટેલ, એક બહેન, મંજુ પટેલ અને પૌત્રો જયદેન, મૈયા, લીયા અને આરિયાના પટેલ પણ છે.

તેમના માતા-પિતા રાવજીભાઈ અને મણીબેન પટેલ અને અન્ય એક ભાઈ હસમુખ પટેલનું અગાઉ અવસાન થયું હતું.

ટસ્કમ્બિયામાં કોલ્બર્ટ કાઉન્ટી ટુરિઝમ ઓફિસના પ્રમુખ સુસાન હેમલિને જણાવ્યું હતું કે “પટેલ એક સરસ અને સજ્જન વ્યક્તિ હતા. હું તેમને ઘણા વર્ષોથી ઓળખતો હતો કારણ કે તે અમારા વિસ્તારમાં એક મોટેલની માલિકી ધરાવતા હતા.

બિંદુ પટેલે તેમની શ્રદ્ધાંજલિમાં જણાવ્યું હતું કે “હું પ્રવિણભાઈને છેલ્લા 50 વર્ષથી ઓળખું છું. તેઓ હૃદયથી ખૂબ જ સારા વ્યક્તિ હતા. હું વિશ્વાસ કરી શકતી નથી કે તેમની સાથે આવું બન્યું છે.”

2021માં મિસિસિપીના ક્લેવલેન્ડના  હોટેલિયર યોગેશ પટેલની એક ગેસ્ટ મારમીટ કરીને હત્યા કરી હતી. તે વર્ષના માર્ચમાં ઉષા અને દિલીપ પટેલ તેમની મેરિલેન્ડના એલ્કટન ખાતેની હોટલમાં ગોળીબારનો ભોગ બન્યાં હતાં જેમાં ઉષા પટેલનું મૃત્યું થયું હતું અને તેના પતિ ઘાયલ થયા હતા. તે વર્ષે આવી બીજી ઘટનાઓ પણ બની હતી. એએએચઓએના તત્કાલીન પ્રમુખ અને સીઈઓ સેસિલ સ્ટેટને જણાવ્યું હતું કે આ હુમલાઓ એક પેટર્નનો ભાગ છે. અમેરિકાના હોટેલ માલિકોને બે નાના વેપારીઓ સામે હિંસાના આવા કૃત્યથી આઘાતમાં છે.

 

LEAVE A REPLY

seventeen − 16 =