UK Hosts Global Food Security Summit
(Photo by Dan Kitwood/Getty Images)

ભારતના કુશળ બિઝનેસીસ અને વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરતા જૂથોએ મંગળવારે યુકે સરકારના તાજેતરના વિઝા ક્રેકડાઉનની આસપાસ સ્પષ્ટતાના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી ઇમીગ્રન્ટ્સના આશ્રિતો પરના પ્રતિબંધને “અયોગ્ય” ગણાવ્યો છે. યુકેના હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવર્લીએ તા. 4ના રોજ સંસદમાં પાંચ-પોઇન્ટની યોજના રજૂ કરી હતી.

બ્રિટિશ એસોસિએશન ઑફ ફિઝિશિયન (BAPIO)ના સ્થાપક ડૉ. રમેશ મહેતાએ જણાવ્યું હતું કે ‘’હેલ્થ એન્ડ કેર વિઝા અંગેના નવા નિયમો બાબતે સ્પષ્ટતા મેળવવા માટે અમે તાત્કાલિક હોમ સેક્રેટરીને પત્ર લખીશું. અમે આશા રાખીએ છીએ કે આમાં ડોકટરો અને નર્સોનો સમાવેશ થતો નથી. પણ જો તેમ થશે તો અમે હોમ ઓફિસને ખાતરી આપીએ છીએ કે ભારતમાંથી યુકે આવતા ડોકટરો અને નર્સોની સંખ્યા શૂન્ય હશે.

જો આ ફેરફારો ફક્ત કેર વર્કર્સને લાગુ પડતા હોય અને તેઓને તેમના પરિવારોને લાવવાની મંજૂરી ન હોય તો પણ તે અત્યંત અયોગ્ય છે. કોઈપણને સંતોષકારક અને સારી ગુણવત્તાની કેર સેવા પૂરી પાડવા માટે, તેઓ તેમના પોતાના પરિવારથી અલગ થઈ શકે નહિં.”

ભારતીય મૂળના લગભગ 80,000 ડોકટરો અને 55,000 નર્સોને સમાવતી યુકેની સૌથી મોટી પ્રતિનિધિ સંસ્થા BAPIOએ ચેતવણી આપી કે ‘’જો નવા નિયમોને પાછા ખેંચવામાં નહિં આવે તો તેને સ્વૈચ્છિક સમર્થન પાછું ખેંચવાની ફરજ પડશે. હોમ ઑફિસ ફરજિયાત ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ (IHS) ની ચુકવણીમાંથી હેલ્થ એન્ડ કેર વિઝા હેઠળના પ્રોફેશનલ્સ માટેની મુક્તિને રદ કરવા માગે છે તે જોખમી છે. શ્રી ક્લેવર્લીએ પુષ્ટિ કરવી પડશે કે વર્તમાન £624 થી £1,035 સુધી તે દર વધશે.’’

વડા પ્રધાન ઋષિ સુનકે જણાવ્યું હતું કે, ‘’અમે નેટ માઈગ્રેશનમાં અત્યાર સુધીના સૌથી મોટા કાપની જાહેરાત કરી છે. ઈતિહાસમાં આ પહેલા કોઈ વડાપ્રધાને આવું કર્યું નથી. નેટ માઈગ્રેશનનું સ્તર ઘણું ઊંચું છે અને તેને બદલવું પડશે. હું તે કરવા માટે સંકલ્પબદ્ધ છું.” સરકારનો દાવો છે કે સ્થળાંતરિત સંખ્યામાં 300,000નો ઘટાડો થઈ શકે છે.
ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) એ ચેતવણી આપી હતી કે લઘુત્તમ વેતન થ્રેશોલ્ડમાં £26,200 થી £38,700 સુધીનો વધારો “અનિચ્છનીય” હોઈ શકે છે.

FICCI એ કહ્યું હતું કે “વિશ્વ ખાસ કરીને આઈટી, એન્જિનિયરિંગ અને રીસર્ચમાં અત્યંત કુશળ ભારતીય પ્રોફેશનલ્સ તરફ જોઈ રહ્યું છે. વિદેશી સ્કીલ વર્કર વિઝા માટે યુકેના વધેલા પગાર થ્રેશોલ્ડને જોતાં, આવા ભારતીયો ચોક્કસપણે અન્ય અર્થતંત્રોને પસંદ કરશે અને યુકેમાં વેપાર કરી બ્રિટિશ અને ભારતીય પ્રોફેશનલ્સને રોજગારી આપતી ભારતીય કંપનીઓને નિરાશ કરશે.”

FICCI સેક્રેટરી જનરલ શૈલેષ પાઠકે જણાવ્યું હતું કે “અત્યાર સુધી, ભારતીય પ્રોફેશનલ્સે યુકેમાં કૌશલ્યની ગંભીર અછતને પહોંચી વળવા માટે તેમની કુશળતાનું યોગદાન આપ્યું છે. જે કદાચ ભવિષ્યમાં ચાલુ નહીં રહે, જે બ્રિટિશ

અર્થતંત્રની નવીનતા અને આર્થિક વૃદ્ધિ માટે કમનસીબ હશે.” માઇગ્રેશન એડવઆઇઝરી કમીટી (MAC) ભારતીયોનું પ્રભુત્વ ધરાવતી અન્ય વિઝા શ્રેણી, ગ્રેજ્યુએટ રૂટ વિઝાની નવી સમીક્ષા અંગે ચિંતીત છે જે ગ્રેજ્યુએટ્સને તેમની ડિગ્રી પછી બે વર્ષ સુધી કામનો અનુભવ મેળવવા માટે પરવાનગી આપે છે. નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન (NISAU) UKના સ્થાપક-ચેર સનમ અરોરાએ જણાવ્યું હતું કે “આશ્રિતોને લાવવા માટે સક્ષમ થવા પરના નિયંત્રણોને પગલે આ વર્ષે પહેલેથી જ ભારતમાંથી નોંધણી નોંધપાત્ર રીતે ઘટી છે. હું જાણું છું કે યુકેમાં યુનિવર્સિટીઓ ખરેખર સંઘર્ષ કરી રહી છે.”

ઇન્ડિયન નેશનલ સ્ટુડન્ટ્સ એસોસિએશન (INSA) UKના પ્રમુખ અમિત તિવારીએ જણાવ્યું હતું કે ‘’ભારતીય વિદ્યાર્થીઓ માટે “નિષ્પક્ષતા” સુનિશ્ચિત કરવા માટે UK સત્તાવાળાઓ સાથે અમે કાર્ય કરીશું. યુકેમાં, ભારતીય વિદ્યાર્થીઓને પક્ષની રાજનીતિના કારણે અન્યાયી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે.”

LEAVE A REPLY

seventeen + 13 =