સિંગાપોરમાં એક દક્ષિણ ભારતીય મૂળના નાગરિકને કંપનીના વાહનના એન્જિનમાં ધૂળ નાખવા બદલ ૧૨ અઠવાડિયાની જેલની સજા ફટકારવામાં આવી હતી. વર્ષ 2020ના આ કેસમાં કોર્ટે સીસીટીવી ફૂટેજ જોઈને ચૂકાદો આપ્યો હતો. સીના પરમશિવમ્ નામના એક કર્મચારીને કંપની સાથે કામની બાબતે વિવાદ થયો હતો. માર્ચ -૨૦૨૦માં સીના પરમશિવમે દારુ પીને ભરબપોરે કંપનીના હેડક્વાર્ટર સામે એક વાહનના એન્જિનમાં ધૂળ નાખી દીધી હતી. ભારતીય મૂળનો આ કર્મચારી કંપનીને પાઠ ભણાવવા ઇચ્છતો હતો એટલે તેણે ઇરાદાપૂર્વક વાહન ચાલુ ન થાય તે માટે આવું કર્યું હતું. આ કેસ કોર્ટમાં પહોંચ્યો હતો. કંપનીએ પરમશિવમ વિરુદ્ધ સીસીટીવી ફૂટેજ રજૂ કર્યા હતા. સીસીટીવી ફૂટેજના આધારે કોર્ટે 40 વર્ષના પરમશિવમને દોષિત ઠેરવ્યો હતો અને ત્રણ મહિનાની જેલ સજા જાહેર કરી હતી. ભારતીય મૂળનો નાગરિક પરમશિવમ ઈન્ટેગ્રેટેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડ્રાઈવરની નોકરી કરતો હતો. તે એકાદ દશકાથી સિંગાપોરમાં રહે છે. તેને કંપની ડ્રાઈવર તરીકે એક હજાર ડોલરનો પગાર આપતી હતી, પરંતુ તેણે પગાર વધારાની માગણી કરી હતી. જે કંપનીને સ્વીકારી ન હોવાથી રોષે ભરાઈને પરમશિવમે કંપનીને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી આ પગલું ભર્યું હતું.












