દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ યાત્રાધામ તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ-ટીટીડી-ને એક જ દિવસમાં ઐતિહાસિક સૌથી મોટી રકમનું દાન મળ્યું છે. યાત્રાધામને એક દિવસમાં જ રૂ. 84 કરોડનું દાન મળ્યું છે. ટીટીડીએ અંદાજે રૂ. 230 કરોડના ખર્ચે શ્રી પદ્માવતિ પીડિયાટ્રિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના નિર્માણ માટે એક નવી યોજના શરૂ કરી છે. શ્રી વેકન્ટેશ્વરા પદ્મનાભમ ટ્રસ્ટ ડોનેશન સ્કીમનો બુધવારે પ્રથમ દિવસ હતો ત્યારે 70 દાતાઓએ 84 કરોડ રૂપિયાની રકમ દાનમાં આપી હતી. આ દરેક દાતાઓને ટીટીડી તરફથી વિશેષાધિકાર તરીકે એક ઉદયસ્થમાન સેવા ટિકિટ નિ: શુલ્ક આપવામાં આવી હતી.
દાતાઓ માટે 531 ઉદયસ્થમાન સેવા ટિકિટો ફાળવવામાં આવી છે. 28 દાતાઓ અને કંપનીઓએ દરેકે દોઢ કરોડ રૂપિયાનું દાન કર્યું તેમને શુક્રવારે 28 ઉદયસ્થમાન સેવા ટિકિટ ફાળવવામાં આવી હતી. જ્યારે 42 દાતાઓએ દરેકે એક કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. તેમને 42 ઉદયસ્થમાન સેવા ટિકિટ ફાળવવામાં આવી હતી.
ટીટીડીને આશા છે કે આ યોજના દ્વારા તે 550 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરશે. ટીટીડીના ચેરમેન વાય. વી.સુબ્બારેડ્ડીએ જણાવ્યું હતું કે આ પીડિયાટ્રિક હોસ્પિટલમાં ગરીબીની રેખા નીચે જીવતાં પરિવારોના બાળકોના હૃદયના ઓપરેશન્સ મફત કરી આપવામાં આવે છે.