સાઉથ આફ્રિકામાં જી20 લીડર્સ સમિટમાં ભાગ લેવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોહાનિસબર્ગ પહોંચ્યાં હતાં. ગૌટેંગમાં વોટરક્લૂફ એરફોર્સ બેઝ (AFB) પર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. સાઉથ આફ્રિકન એરફોર્સે રેડ-કાર્પેટ સલામી સાથે સ્વાગત કર્યું હતું. મોદી જી20 સમિટના ત્રણેય સેશનમાં સંબોધન કરશે અને વિશ્વના અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજશે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે તેઓ મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર વિશ્વના નેતાઓ સાથે ફળદ્વૂપ ચર્ચાઓ માટે આતુર છે. અમારું ધ્યાન સહયોગને મજબૂત કરવા, વિકાસની પ્રાથમિકતાઓને આગળ વધારવા અને તમામ માટે સારું ભવિષ્ય સુનિશ્ચિત કરવા પર રહેશે. આફ્રિકામાં પ્રથમ વાર જી20 સમિટ યોજાઈ રહી છે. 2023માં ભારતના અધ્યક્ષપદ દરમિયાન આફ્રિકન યુનિયન જી20નું સભ્ય બન્યું હતું.
એરપોર્ટ પર સાઉથ આફ્રિકાના પ્રેસિડન્ટ ઓફિસના પ્રધાન ખુમ્બુડઝો નત્શાવેનીએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. મોદી હોટેલમાં પહોંચ્યા ત્યારે બાળકોના એક જૂથે પ્રાર્થના સાથે તેમનું સ્વાગત કર્યું હતું. સ્થાનિક કલાકારોએ પરંપરાગત નૃત્યો રજૂ કર્યા હતાં, જેમાં બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોના સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને વૈદિક મંત્રોનો પાઠ કરતા બાળકો સાથે પણ વાતચીત કરી હતી. તેમણે ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ હાથ મિલાવ્યા હતાં. આ સમીટમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ હાજરી આપી રહ્યાં નથી.

LEAVE A REPLY