વડાપ્રધાને સવારે 10 વાગ્યે પોતાના સંબોધનમાં આ જાહેરાત કરી તેની થોડી મિનિટોમાં જ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાહેરાત કરી હતી કે ભારતમાં આવતી અને ભારતથી ઉપડતી તમામ આંતરરાષ્ટ્રીય ફલાઈટ્સ તેમજ ભારતમાં જ આંતરિક રીતે ચાલતી ડોમેસ્ટિક ફલાઈટ્સ ઉપરનો પ્રતિબંધ પણ 3 મે સુધી લંબાવાયો છે. ફલાઈટ્સ બંધ થવાના કારણે દેશના વિવિધ એરપોર્ટ્સ ઉપર 650 જેટલા વિમાનો પણ અટવાઈ ગયા છે.

ભારતીય રેલવેએ પણ પોતાના પ્રવાસી સેવાઓ 3 મે સુધી સ્થગિત કરી દીધી છે. વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં ચાલી રહેલા લોકડાઉનને 3 મે સુધી લંબાવવાની જાહેરાત કર્યા બાદ રેલવે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રેલવેના એક અધિકારીના જણાવ્યા અનુસાર લોકડાઉનની સમય મર્યાદાને ધ્યાનમાં રાખતા રેલવે પ્રશાસને આ નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં આ અંગે વિશેષ જાણકારી આપવામાં આવશે. આ અગાઉ રેલવે સેવાઓ 14 એપ્રિલની રાત સુધી સ્થગિત કરવામાં આવી હતી.

વડાપ્રધાને કહ્યું કે સંપૂર્ણ નિષ્ઠા સાથે 3 મે સુધી લોકડાઉનના નિયમોનો અમલ કરો. જ્યાં છો, ત્યાં જ રહો અને સુરક્ષિત રહો. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે સંપૂર્ણ નિષ્ઠા સાથે 3 મે સુધી લોકડાઉનના નિયમોનું પાલન કરીશું તો જ કોરોના જેવી મહામારી સામેની જંગ જીતી શકીશું. આ જ વિશ્વાસ સાથે હું તમારા તમામ લોકોનો સાથ માગું છું.