બ્રિટિશ સરકારે દેશમાં ઈમિગ્રેશનને નિયંત્રણમાં રાખવા માટે વિવિધ પગલા લીધા છે. આથી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે યુકેમાં આવવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સરકારના એક અધિકૃત રીપોર્ટ મુજબ ગત વર્ષની તુલનાએ દેશમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરવા માટે અરજી કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 21,000થી વધુનો ઘટાડો નોંધાયો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ઓએનએસ)ના આંકડાને આધારે જાહેર કરાયેલી વિગતો મુજબ, ડિસેમ્બર, 2023ની તુલનાએ ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 16 ટકા ઘટાડો નોંધાયો હતો, જ્યારે 2022ની સરખામણીએ કુલ માઈગ્રેશનમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો હતો. 4 જુલાઈના રોજ યુકેમાં યોજનારી સામાન્ય ચૂંટણી અગાઉ જાહેર કરાયેલાં આ આંકડા, દેશમાં ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવાની કટિબદ્ધતા દર્શાવનારા વડાપ્રધાન ઋષિ સુનક માટે રાહતરૂપ છે. જ્યારે બીજી તરફ, વિદેશી વિદ્યાર્થીઓની ફી પર નિર્ભર રહેતી દેશની વિવિધ યુનિવર્સિટીઝ માટે આ આંકડા ચિંતાજનક છે. ગૃહ હોમ ઓફિસના આંકડા પ્રમાણે, માર્ચ, 2024 સુધીના એક વર્ષમાં 1,16,455 ભારતીય વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા અપાયા હતાં, જેમાં અગાઉના વર્ષની સરખામણીએ 21,717નો ઘટાડો થયો છે. 94,149 અથવા 81 ટકા ભારતીય વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાના અભ્યાસ માટે યુકે આવે છે. ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા માટેના ઘણા કારણો છે. અગાઉ વિદ્યાર્થીઓ પરિવારના નિર્ભર સભ્યો, જીવનસાથી કે બાળકોને સાથે લાવી શકતા હતા, પણ આ વર્ષથી તેની પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. માર્ચ 2024માં પૂરા થયેલા વર્ષમાં ગ્રેજ્યુએટ રુટ સ્કીમ હેઠળ વિઝા મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સૌથી વધુ ભારતીયો (64,372) હતાં.

 

 

LEAVE A REPLY

four × four =