ચીનના હાંગઝોઉમાં મહિલા એશિયા કપમાં રજત ચંદ્રક જીત્યા બાદ ભારતીય મહિલા હોકી ટીમના સભ્યો (@narendramodi/X via PTI Photo)
ચીનમાં રવિવારે એશિયા કપ મહિલા હોકીની ફાઈનલમાં ભારતીય ટીમ ઈન્ડિયા રનર્સ-અપ રહી હતી. યજમાન ટીમે હાંગઝોઉમાં ભારતને 4-1થી હરાવી કપ હાંસલ કર્યો હતો અને એ સાથે ચીને મહિલા હોકી વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.
ફાઇનલમાં ભારત તરફથી એકમાત્ર ગોલ નવનીત કૌરે પહેલી જ મિનિટમાં પેનલ્ટી કોર્નરથી  કર્યો હતો. બીજા ક્વાર્ટરમાં ચીનની ઓઉ જિક્સિયાએ ગોલ કરીને સ્કોર 1-1 થી બરાબર કર્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં લી હોંગે એક ગોલ કરી ચીનને 2-1 ની સરસાઈ અપાવી હતી. છેલ્લા ક્વાર્ટરમાં ચીને વધુ 2 ગોલ કરી મેચમાં 4-1 થી વિજય નોંધાવ્યો હતો.
પહેલા ક્વાર્ટરમાં ભારતની શરૂઆત શાનદાર રહી હતી. ટીમને પહેલી જ મિનિટમાં પેનલ્ટી કોર્નર મળ્યો હતો. પહેલા 2 કોર્નર ગોલમાં પરિણમ્યા નહીં, પરંતુ નવનીત કૌરે ત્રીજા કોર્નરને ગોલમાં પરિવર્તિત કર્યો હતો. ચીનને પણ પહેલા ક્વાર્ટરમાં ચાર પેનલ્ટી કોર્નર મળ્યા હતા, પરંતુ ટીમ એક પણ ગોલ કરી શકી નહીં.
બીજા ક્વાર્ટરમાં ચીને 21મી મિનિટે, ઓઉ જિક્સિયાના ગોલ સાથે સ્કોર 1-1 ની બરાબરીમાં આવ્યો. ત્રીજા ક્વાર્ટરમાં બંને ટીમ વચ્ચે જોરદાર સ્પર્ધા રહી હતી. 41મી મિનિટે ચીન તરફથી લી હોંગે ​​ફિલ્ડ ગોલ કરી ટીમની સરસાઈ 2-1ની કરી હતી.
ચોથા ક્વાર્ટરમાં ચીનની રમત ખૂબ જ આક્રમક રહી હતી અને ભારતને વાપસીની કોઈ તક મળી નહીં.
ભારતે હવે વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન મેળવવા ક્વોલિફાયર રાઉન્ડમાં રમવાનું રહેશે.

LEAVE A REPLY