પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)
ગીતાંજલિ શ્રી લિખિત નવલકથા ‘ટોમ્બ ઓફ સેન્ડ’નો ઇન્ટરનેશનલ બૂકર પ્રાઇઝ માટે વિશ્વભરમાંથી પસંદગી પામેલા 13 પુસ્તકોના લોંગલિસ્ટમાં સમાવેશ કરાયો છે.
આ પ્રતિષ્ઠિત સાહિત્યિક પુરસ્કાર માટે હિન્દી ભાષાની આ કૃતિના અંગ્રેજી અનુવાદનું ગત ગુરુવારે લંડનમાં વિમોચન કરાયું હતું. શ્રીના પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ ડેઇઝી રોકવેલે કર્યો હતો, તેને નિર્ણાયકો દ્વારા ‘અનોખા’ પુસ્તક તરીકે વર્ણવવામાં આવ્યું છે, વિજેતાને 50 હજાર પાઉન્ડનું ઇનામ મળશે અને તે લેખક અને અનુવાદક વચ્ચે વહેંચાશે.
વધુમાં, વર્ષ 2022માં પ્રથમ વખત, પસંદ કરાયેલા લેખકો અને અનુવાદકો દરેકને 2,500 પાઉન્ડ વધારાના મળશે, જે અગાઉના વર્ષોમાં એક હજાર પાઉન્ડ આપવામાં આવતા હતા. આ પુરસ્કારનું કુલ મૂલ્ય 80 હજાર પાઉન્ડ સુધી પહોંચી જશે.
નિર્ણાયકોએ આ હિન્દી નવલકથા અંગે જણાવ્યું હતું કે, ‘ગીતાંજલિ શ્રીના સંશોધનાત્મક, ઊર્જાસભર ‘ટોમ્બ ઓફ સેન્ડ’ના સતત બદલાતા પરિપ્રેક્ષ્ય અને સમયમર્યાદા આપણને 80 વર્ષની એક મહિલાના જીવનના દરેક સુક્ષ્મ અને આશ્ચર્યજનક અતીતનો અનુભવ કરાવે છે.’
ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં જન્મેલા શ્રીએ અત્યારસુધીમાં ત્રણ નવલકથાઓ અને અનેક વાર્તા સંગ્રહો લખ્યા છે, તેમના સાહિત્ય સર્જનનો અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, સર્બિયન અને કોરિયન ભાષામાં અનુવાદ થયો છે. નવી દિલ્હીમાં વસતા આ 64 વર્ષીય લેખિકાને અનેક પુરસ્કારો અને ફેલોશિપ્સ પ્રાપ્ત થયા છે. ‘ટોમ્બ ઓફ રેઇડ’ યુકેમાં પ્રકાશિત થનારા તેમનાં પ્રથમ પુસ્તકો પૈકીનું એક છે.