ફાઇલ ફોટો (Photo by Atul Loke/Getty Images)
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં કારમા પરાજય પછી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે આ પાંચ રાજ્યોના પ્રદેશ પ્રમુખોને રાજીનામું આપવાની તાકીદ કરી છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણીપુરનો સમાવેશ થાય છે.
વિધાનસસભાની ચૂંટણીમાં પક્ષના ધબડકાના કારણોની ચર્ચા કરવા કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકના બે દિવસ બાદ આ પગલું લેવાયું છે. કોંગ્રેસનો એકપણ રાજ્યમાં વિજય થયો નહોતો. પંજાબમાં તો કોંગ્રેસે સત્તા ગુમાવી હતી.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટર પર જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પ્રદેશ કોંગ્રેસ કમિટીની નવરચના માટે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણીપુરના પ્રદેશ અધ્યક્ષોને રાજીનામું આપવાની સૂચના આપી છે.
પંજાબમાં થોડા મહિના પહેલા જ પ્રદેશ પ્રમુખ તરીકે નવજોત સિધુની નિયુક્તિ કરાઈ હતી. આ ઉપરાંત ઉત્તરાખંડના પ્રદેશ પ્રમુખ ગણેશ ગોડિયાલ અને મણીપુરના પ્રદેશ પ્રમુખ લોકેન સિંહની પણ વિધાનસભાની ચૂંટણી પહેલા નિમણુક કરવામાં આવી હતી.
સોનિયા ગાંધીએ ગોવામાં પક્ષના વડા ગિરીશ ચોડાન્કર અને ઉત્તર પ્રદેશમાં પક્ષના વડા અજય કુમાર લલ્લુને પણ રાજીનામા આપવા જણાવ્યું છે.ગોડિયાલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મંગળવારે દિલ્હી પહોંચ્યા પછી મને જાણકારી મળી હતી કે પાર્ટીએ આ તમામ રાજ્યોના પદાધિકારીઓના રાજીનામાની સૂચના આપી છે. મે પણ મારું રાજીનામું આપી દીધું છે. હું કોંગ્રેસના કાર્યકર તરીકે લડત ચાલુ રાખીશ. સૂત્રોએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધી પક્ષના રાજ્ય માળખાનું પુનર્ગઠન કરશે.
કોંગ્રેસ કાર્યકારી સમિતિની મેરેથોન બેઠકમાં સંગઠનમાં જરૂરી ફેરફાર કરીને તેને મજબૂત બનાવવાના પગલાં લેવા કોંગ્રેસ પ્રમુખને સત્તા આપવામાં આવી હતી. આ બેઠકમાં સર્વસંમતીથી સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરાયો હતો અને પક્ષના સંગઠનની નબળાઈઓ દૂર કરવા વિનંતી કરાઈ હતી.