
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે શનિવારે જણાવ્યું હતું કે આર્મી વડાએ 10મી રાત્રે રાત્રે 2.30 વાગ્યે તેમને ઉંઘમાંથી જગાડીને માહિતી આપી હતી કે રાજધાની ઇસ્લામાબાદથી 25 કિમીથી ઓછા અંતરે આવેલા એરબેઝ અને અન્ય સ્થળોએ ભારતીય મિસાઇલો ત્રાટક્યાં હતાં. ભારતને શાંતિની અપીલ કરતાં શરીફે જણાવ્યું હતું કે પાકિસ્તાન અને ભારતે શાંતિપૂર્ણ પડોશીઓની જેમ ટેબલ પર બેસીને કાશ્મીર સહિતના તેમના પડતર મુદ્દાઓનું સમાધાન કરવું જોઈએ.
બંને દેશો વચ્ચેના યુદ્ધવિરામના એક સપ્તાહ પછી શરીફે આ કબુલાત કરી હતી. 10મેએ પાકિસ્તાનના લશ્કરી પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ સવારે 4 વાગ્યે ઇસ્લામાબાદમાં ઉતાવળમાં બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભારતીય મિસાઇલોએ પાકિસ્તાન એરફોર્સના નૂર ખાન (ચકલાલા, રાવલપિંડી), મુરીદ (ચકવાલ) અને રફીકી (ઝાંગ જિલ્લામાં શોરકોટ) એરબેઝ પર હુમલા કર્યા છે. આમાંથી નૂર ખાન એરબેઝ ઇસ્લામાબાદ રાજધાની પ્રદેશથી 25 કિલોમીટરથી પણ ઓછા અંતરે છે.
શરીફે જણાવ્યું હતું કે મને શનિવારે રાત્રે 2:30 વાગ્યે સેના પ્રમુખ જનરલ સૈયદ અસીમ મુનીરનો સુરક્ષિત ફોન આવ્યો હતો, જેમણે મને જાણ કરી હતી કે ભારતે હમણાં જ બેલિસ્ટિક મિસાઇલો છોડ્યા છે અને તેમાંથી એક નૂર ખાન એરપોર્ટ પર પડી છે અને બીજી અન્ય કેટલાક વિસ્તારોમાં પડી છે. મુનીરે ભારત પર વળતો હુમલો કરવાની પરવાનગી માગી છે. શરીફે એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાનને વળતો હુમલો કરીને ભારતના પઠાણકોટ, ઉધમપુર અને બીજા સ્થળો પર મિસાઇલ હુમલા કર્યાં હતાં.
