દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ અંગે જર્મનીના વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી સામે ભારતે કડક વિરોધ નોંધાવ્યો હતો. ભારતની આંતરિક બાબતો પર જર્મનીની ટિપ્પણીઓને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે શનિવારે જર્મન એમ્બેસીના ડેપ્યુટી હેડ જ્યોર્જ એન્ઝવેઈલરને સમન્સ પાઠવતા તેઓ નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના અધિકારીઓને મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ વિદેશ મંત્રાલયે જર્મનીના પ્રતિનિધિ એન્ઝવેઈલર સમક્ષ ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ સામે વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મેં નવી દિલ્હીમાં જર્મન મિશનના ડેપ્યુટી ચીફને ફોન કરીને વિદેશ મંત્રાલય દ્વારા દેશની આંતરિક બાબતો પર કરવામાં આવેલી ટિપ્પણી સામે સખત વિરોધ વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે ગુરુવારે મોડી રાત્રે દિલ્હી લિકર પોલિસીના કથિત કૌભાંડમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. કેજરીવાલની ધરપકડ પર ટિપ્પણી કરતા જર્મનીના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અમે તેની નોંધ લીધી છે. ભારત એક લોકશાહી દેશ છે. અમે આશા રાખીએ છીએ કે ન્યાયતંત્રની સ્વતંત્રતા અને મૂળભૂત લોકતાંત્રિક સિદ્ધાંતો સંબંધિત તમામ ધોરણો આ કેસમાં પણ લાગુ કરાશે. કેજરીવાલને ન્યાયી સુનાવણીનો સંપૂર્ણ અધિકાર છે. જર્મન અન્ય આરોપોનો સામનો કરી રહેલા બીજા વ્યક્તિઓની જેમ કેજરીવાલ પણ ન્યાયી સુનાવણી માટે હકદાર છે. તેમને કોઈપણ પ્રતિબંધ વિના તમામ કાનૂની વિકલ્પો પર આગળ વધવાનો અધિકાર છે.

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલને 28 માર્ચ સુધી EDની રિમાન્ડ પર મોકલ્યા છે. EDએ કેજરીવાલને કોર્ટમાં રજૂ કરીને દસ દિવસના રિમાન્ડની માગણી કરી હતી, પરંતુ કોર્ટે તપાસ એજન્સીને છ દિવસના રિમાન્ડ આપ્યા છે. હવે તેને 28 માર્ચે બપોરે 2 વાગ્યે કોર્ટમાં રજૂ કરાશે. કોર્ટમાંથી 6 દિવસના ED રિમાન્ડ મળ્યા બાદ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું રાજીનામું નહીં આપીશ. હું સ્વસ્થ છું અને જેલમાંથી જ સરકાર ચલાવીશ.

LEAVE A REPLY

15 + 2 =