India's massive victory by 227 runs in the third ODI after losing the series
(ANI Photo)

હાલમાં બાંગ્લાદેશના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમે ત્રણ વન-ડેની સીરીઝમાં પહેલી બે મેચમાં પરાજય સાથે સીરીઝ ગુમાવી ચૂક્યા પછી શનિવારે (10 ડીસેમ્બર) રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડેમાં 277 રને જંગી વિજય મેળવ્યો હતો. આ મેચમાં ભારતના ઓપનર ઈશાન કિશને પોતાની વન-ડે કેરિયરની પહેલી સદી જ કન્વર્ટ કરી ડબલ સેન્ચુરી ફટકારી હતી અને તે પણ ભારત તરફથી વન-ડેની સૌથી ઝડપી બેવડી સદી રહી હતી. તે ઉપરાંત, વિરાટ કોહલીએ પણ સદી કરી હતી અને ભારતે એકંદરે 50 ઓવરમાં 8 વિકેટે 409 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. 

તેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 34 ઓવરમાં ફક્ત 182 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જો કે, બાંગ્લાદેશની 9મી વિકેટ તો 149 રને જ પડી ગઈ હતી અને એ તબક્કે તો એવું લાગતું હતું કે ભારત તેનો વન-ડેમાં સૌથી વધુ રને વિજયનો નવો રેકોર્ડ પણ કદાચ સ્થાપિત કરી શકશે, પણ તેની છેલ્લી વિકેટની જોડીએ ચાર ઓવરથી વધુ બેટિંગ ખેંચી 33 રન ઉમેર્યા હતા અને ભારત એ રેકોર્ડ ચૂકી ગયું હતું. ભારત તરફથી ઈશાન કિશન અને કોહલી ઉપરાંત વોશિંગ્ટન સુંદરે 27 બોલમાં 37 તથા અક્ષર પટેલે 17 બોલમાં 20 રન કર્યા હતા. 

બાંગ્લાદેશે સાત બોલર્સ અજમાવ્યા હતા અને મુસ્તફિઝુર રહેમાન 10 ઓવરમાં 66 તથા શાકિબ અલ હસન 10 ઓવરમાં 68 રન સાથે સૌથી કિફાયતી રહ્યા હતા, તો તસ્કીન અને ઈબાદતે 9-9 ઓવર્સમાં દરેકે 88 રન આપ્યા હતા. 

410 રનના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત જ સારી રહી નહોતી. ઓપનર્સે ઝડપી શરૂઆત તો કરી હતી, પણ પાંચમી ઓવરમાં જ એનામુલ 8 રન કરી વિદાય થયો હતો, જ્યારે આઠમી ઓવરમાં બીજો ઓપનર અને સુકાની લિટન દાસ પણ વિદાય થયો હતો. એ પછી નિયમિત અંતરે વિકેટો પડતી રહી અને ભારતનો આખરે 277 રનની જંગી તફાવત સાથે વિજય થયો હતો. શાકિબ અલ હસનના 43 રન સિવાય એકપણ બેટર 30ના આંકડે પહોંચી શક્યો નહોતો. 

ભારત તરફથી શાર્દુલ ઠાકુરે પાંચ ઓવરમાં 30 રન આપી ત્રણ, અક્ષર પટેલ અને ઉમરાન મલિકે બે-બે તથા સિરાજ, કુલદીપ યાદવ અને સુંદરે એક-એક વિકેટ લીધી હતી.  

ઈશાન કિશને 131 બોલમાં 10 છગ્ગા અને 24 ચોગ્ગા સાથે 210 તથા કોહલીએ 91 બોલમાં બે છગ્ગા અને 11 ચોગ્ગા સાથે 113 રન કર્યા હતા. 

ઈસાન કિશનને પ્લેયર ઓફ ધી મેચ તથા ઈબાદત હુસેનને પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર કરાયા હતા. 

બીજી વન-ડેમાં બાંગ્લાદેશનો પાંચ રને વિજયઃ આ અગાઉ, પ્રથમ મેચમાં ભારતે જીતની બાજી ગુમાવી હતી, લગભગ એવી જ રસાકસીભરી બીજી વન-ડે મેચમાં પણ બાંગ્લાદેશનો બુધવારે (07 ડીસેમ્બર) ફક્ત પાંચ રને વિજય થયો હતો. સુકાની રોહિત શર્મા છેક નવમા ક્રમે બેટિંગમાં ઉતર્યો હતો અને છેલ્લી ઓવરમાં તે બેટિંગમાં હતો ત્યારે, છેલ્લા ત્રણ બોલમાં ભારતને વિજય માટે 12 રન કરવાના હતા, જે થઈ શકે તેમ હોવા છતાં રોહિત પાંચમાં એક છગ્ગો ફટકારી શક્યો હતો, પણ ચોથા અને છઠ્ઠા બોલે એક પણ રન નહીં મળતા ફરી એકવાર ભારતના મોઢા સુધી આવેલો વિજયનો કોળિયો ઝુંટવાયો હતો.  

બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરતાં સાત વિકેટે 271 રન કર્યા હતા, જેમાં ફરી એક વખત ભારતીય બોલિંગની નબળાઈ ઉજાગર થઈ હતી. બાંગ્લાદેશના ટોચના છ બેટ્સમેનને ફક્ત 69 રનમાં અને 19મી ઓવરમાં જ પેવેલિયન ભેગા કરી દીધા પછી મેહમદુલ્લાએ 96 બોલમાં 77 રન કરી ટીમને ફરી લડાયક સ્થિતિમાં લાવી દીધી હતી, તો 8મા ક્રમના બેટર મેહદી હસન મિરાજ અણનમ સદી ફક્ત 83 બોલમાં ઝુડી નાખી હતી, જેમાં ચાર છગ્ગા અને આઠ ચોગ્ગાનો સમાવેશ હતો. વોશિંગ્ટન સુંદરે 10 ઓવરમાં ફક્ત 37 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. ટોચના ત્રણ બેટર્સને સસ્તામાં ખેરવ્યા પછી સિરાજ અને ઉમરાન મલિક મોંઘા સાબિત થયા હતા. સિરાજે 10 ઓવરમાં 73 રન આપી બે વિકેટ લીધી હતી, તો મલિકે 10 ઓવરમાં બે મેઈડન સાથે 58 રન આપી બે વિકેટ લીધી હતી. મેહદી હસનને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

જવાબમાં ભારત તરફથી શ્રેયસ ઐયરે 82, અક્ષર પટેલે 56 તથા સુકાની રોહિત શર્માએ અણનમ 51 કર્યા હતા, પણ સ્હેજ માટે ફરી ટીમનો પરાજય થયો હતો. 

LEAVE A REPLY