(@DrSJaishankar/X via PTI Photo)

ભારત અને અમેરિકા વચ્ચે તણાવપૂર્ણ વેપાર સંબંધો વચ્ચે વિદેશ પ્રધાન એસ જયશંકરે રવિવારે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે વેપાર કરાર પૂર્ણ ન થઈ શકવાને કારણે મોટાભાગના મુદ્દા ઊભા થયા છે અને તેની બંને દેશોના સંબંધોને હાલમાં અસર થઈ રહી છે, પરંતુ કોઇપણ સોદામાં નવી દિલ્હીની રેડલાઇનનું સન્માન થવું જોઇએ.

કૌટિલ્ય ઇકોનોમિક એન્ક્લેવ ખાતે ‘અસ્થિર સમયમાં વિદેશ નીતિ’ વિષય પર ચર્ચા દરમિયાન જયશંકરે જણાવ્યું હતું કે અમેરિકા વિશ્વનું સૌથી મોટું બજાર હોવાથી વેપાર અંગે સમજૂતી જરૂરી છે, પરંતુ બંને દેશો વચ્ચેના મતભેદોને પ્રમાણસર ધોરણે જોવા જોઈએ, કારણ કે દ્વિપક્ષીય સંબંધોના કેટલાંક પાસાઓ રાબેતા મુજબ ચાલે છે.

ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત પર લાદેલી 25% પારસ્પરિક ટેરિફનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે આપણે હાલમાં અમેરિકા સાથે કેટલાંક મુદ્દાનો સામનો કરી રહ્યાં છીએ. તેનું મુખ્ય કારણ એ છે કે આપણે વેપાર મંત્રણા માટેની યોગ્ય ભૂમિકા તૈયાર કરી શક્યા નથી. આ કરાર પર પહોંચવામાં અસમર્થતાને કારણે ભારત પર ટેરિફ લાદવામાં આવી છે. રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી બદલ ભારત પર પેનલ્ટી તરીકે લાદવાની વધારાની 25 ટકા ટેરિફનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે અમે જાહેરમાં કહ્યું છે કે અમે તેને ખૂબ જ અન્યાયી માનીએ છીએ.

જયશંકરનું સંબોધન મુખ્યત્વે વૈશ્વિક મંચ પર અભૂતપૂર્વ ફેરફારોના વ્યૂહાત્મક પરિણામો પર કેન્દ્રિત હતું. તેમાં ઉત્પાદન, સપ્લાય ચેઇન, વેપાર, ડેટા અને કનેક્ટિવિટીનો લાભ લેવાનો સમાવેશ થાય છે. મેન્યુફેક્ચરિંગ અને રાષ્ટ્રીય તાકાતનો વિકા કરીને ભારત આ પડકારોનો સામનો કરવા માટે કેવો અભિગમ ધરાવે છે તેની પણ તેમણે છણાવટ કરી હતી.

LEAVE A REPLY