
એશિયા કપ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં બુધવારે રમાયેલી મેચમાં યુનાઇટેડ આરબ અમિરાતને નવ વિકેટે કચડી નાખીને ભારતે વિજયી પ્રારંભ કર્યો હતો. સ્પિનર કુલદીપ યાદવની અને શિવમ દૂબેની વેધક બોલિંગને પગલે યુનાઇટેડ આરબ અમિરાતની ટીમ 13.1 ઓવરમાં માત્ર 57 રનમાં આઉટ થઈ ગઈ હતી અને ભારતે 4.3 ઓવરમાં એક વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ હાંસલ કર્યો હતો. ભારત હવે 14 સપ્ટેમ્બરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે.
દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં યાદવે સાત રનમાં ચાર વિકેટ ખેરવી હતી. ભારત માટે ઓપનર અભિષેક શર્માએ 16 બોલમાં ત્રણ સિક્સર સાથે 30 અને શુભમન ગિલે નવ બોલમાં અણનમ 20 રન ફટકાર્યા હતા.
ભારતે ટોસ જીત્યા બાદ હરીફ ટીમને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. યુએઈએ શરૂઆત તો પ્રભાવશાળી કરી હતી પરંતુ આ પ્રારંભ ચોથી ઓવર સુધી જ ટક્યો હતો. જસપ્રિત બુમરાહે ઓપનર આલિશાન શરાફુને એક બોલ્ડ કર્યો તે સાથે જ યજમાન ટીમની વિકેટોનું પતન શરૂ થઈ ગયું હતું. યુએઈના ઓપનર્સને બાદ કરતાં બાકીનો કોઈ બેટર ડબલ ફિગર સુધી પહોંચી શક્યો ન હતો. ઓપનર શરાફુએ 17 બોલમાં એક સિક્સર અને ત્રણ ચોગ્ગા સાથે 22 રન ફટકાર્યા હતા તો કેપ્ટન વસિમે 19 રન ફટકાર્યા હતા.
અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે અફઘાનિસ્તાન વિરુદ્ધ હોંગકોંગ વચ્ચેની મેચ સાથે એશિયા કપ ટી-20નો 9 સપ્ટેમ્બર 2025થી પ્રારંભ થયો હતો. આ મેગા-ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. તેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન, UAE, ઓમાન અને હોંગકોંગનો સમાવેશ થાય છે. ટુર્નામેન્ટની ફાઇલન 28 સપ્ટેમ્બરે યોજાશે.
સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ આ ટુર્નામેન્ટમાં ફેવરિટ છે. ભારતીય ટીમનો 14મી સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે મુકાબલો થશે.
એશિયા કપમાં ભારતે અત્યાર સુધીમાં આઠ વાર ટાઇટલ જીત્યા છે, જેમાં સાત વન-ડે ટુર્નામેન્ટ અને એક ટી20 ટુર્નામેન્ટનો સમાવેશ થાય છે. એશિયા કપ અગાઉ માત્ર વન-ડે ફોર્મેટમાં જ યોજાતો હતો પરંતુ ટી20ના આગમન બાદ જે સિઝનમાં વર્લ્ડ કપ હોય તે સિઝનને ધ્યાનમાં રાખીને ફોર્મેટમાં પરિવર્તન થતું રહે છે. ભારતે 2016માં ટી20 એશિયા કપ જીત્યો હતો.
ભારત આ એશિયા કપનું મૂળ યજમાન હતું, પરંતુ પાકિસ્તાન સાથેના તણાવપૂર્ણ રાજકીય સંબંધોને કારણે, બંને દેશોએ એકબીજાની ધરતી પર ન રમવાનો નિર્ણય લીધો છે, પરિણામે એક તટસ્થ દેશ તરીકે આ વર્ષે એશિયા કપ યુએઈમાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતા.
