ભારત પર અમેરિકાની જંગી ટેરિફ હોવા છતાં ઓક્ટોબરમાં ભારતની સ્માર્ટફોન નિકાસ વાર્ષિક ધોરણે ત્રણ ગણી વધીને USD 1.47 બિલિયન થઈ ગઈ હતી. નિકાસ ગયા વર્ષના ઓક્ટોબરમાં 0.46 અબજ ડોલર રહી હતી. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન અમેરિકામાં ભારતની સ્માર્ટફોન નિકાસ અગાઉના વર્ષના સમાન ગાળાની 3.60 અબજ ડોલરથી ઉછળીને 19.78 અબજ ડોલર થઈ હતી.
નિકાસમાં માસિક ધોરણે ઘટાડા પછી હવે ફરી વધારો થવા લાગ્યો છે. એપ્રિલમાં તે ૧.૬૫ અબજ ડોલર અને મે મહિનામાં ૨.૨૯ અબજ ડોલર રહી હતી. પરંતુ જૂનમાં નિકાસ ઘટીને ૧.૯૯ અબજ ડોલર, જુલાઈમાં ૧.૫૨ અબજ ડોલર, ઓગસ્ટમાં ૦.૯૬ અબજ ડોલર અને સપ્ટેમ્બરમાં ૦.૮૮ અબજ ડોલર થઈ હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ટેરિફ સંબંધિત અનિશ્ચિતતાઓથી માંગ અને કિંમતને અસર થઈ રહી હોવાથી મોમેન્ટમ મજબૂત રહ્યું છે. એપ્રિલ-ઓક્ટોબર 2025માં ભારતની વિશ્વવ્યાપી સ્માર્ટફોન નિકાસ 10.68 બિલિયન ડોલરથી વધીને 15.95 બિલિયન થઈ હતી, જે 49.35 ટકાનો વધારો દર્શાવે છે.











