Narendra Modi

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ વચ્ચે આવતા મહિને મુલાકાત થાય તેવી પ્રબળ સંભાવના છે. આ બંને દેશોના વડાપ્રધાનો ઉઝબેકિસ્તાનમાં યોજાનારી શાંઘાઈ કો ઓપરેશન સંગઠનની બેઠકમાં ભાગ લેવા જશે ત્યારે તેમની મુલાકાત થઈ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે, જો બંને વડાપ્રધાનો વચ્ચે બેઠક થઇ તો બંને દેશો વચ્ચે બંધ થઈ ગયેલી વાતચીત ફરી શરુ થઈ શકે છે. જોકે, તેમની મુલાકાત અંગે કોઈ પણ દેશે સત્તાવાર નિવેદન આપ્યું નથી.

શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક 15 અને 16 સપ્ટેમ્બરે યોજાશે. જેમાં ચીન, રશિયા અને ઈરાનના પ્રેસિડેન્ટ પણ ભાગ લેશે. શરીફ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે વડાપ્રધાન મોદીએ તેમને અભિનંદન આપીને જણાવ્યું હતું કે, ભારતીય ઉપખંડમાં શાંતિ અને સ્થિરતાની જરૂર છે. જેથી આપણે વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરી શકીએ અને તેનાથી લોકોનું કલ્યાણ થશે. જેના જવાબમાં શરીફે પણ કહ્યું તું કે, પાકિસ્તાન, ભારત સાથે શાંતિપૂર્ણ સબંધો ઈચ્છે છે. પાકિસ્તાન અને ભારત વચ્ચેનો વેપાર પણ બંધ છે. પાકિસ્તાને 2019માં કેટલીક દવાઓ ભારતથી મંગાવવા માટે મંજૂરી આપી હતી અને તે પછી બંને દેશો વચ્ચેના વ્યાપારિક સબંધો આગળ વધ્યા નથી.