ગંભીર આર્થિક કટોકટીમાં ફસાયેલા પાકિસ્તાનની હેલ્થકેર સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. દર્દીઓ આવશ્યક દવાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. દેશમાં ફોરેક્સ રિઝર્વના અભાવથી જરૂરી દવાઓ અથવા સ્થાનિક ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો (API)ની આયાત કરવાની ક્ષમતાને મોટી અસર થઈ છે. તેનાથી સ્થાનિક ફાર્મા કંપનીઓને ઉત્પાદનમાં ઘટાડો કરવાની ફરજ પડી છે. દવાઓ અને તબીબી સાધનોની અછતના કારણે ડોકટરોને સર્જરી ન કરવાની ફરજ પડી રહી છે.

બીજી તરફ પાકિસ્તાનમાં સાપ્તાહિક ફુગાવો 40 ટકાના ઊંચા સ્તરે પહોંચ્યો છે. પાકિસ્તાન બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (પીબીએસ)ના જણાવ્યા અનુસાર સેન્સિટિવ પ્રાઇસ ઇન્ડિકેટર (એસપીઆઇ) આધારિત ફુગાવો 23 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં અગાઉના સપ્તાહના 38.42 ટકાથી વધીને 41.54 ટકા થયો છે.

પાકિસ્તાન મીડિયાના અહેવાલો મુજબ, ઓપરેશન થિયેટરમાં હૃદય, કેન્સર અને કિડની સહિતની સંવેદનશીલ શસ્ત્રક્રિયાઓ માટે જરૂરી એનેસ્થેટિક્સનો બે અઠવાડિયા કરતાં ઓછો સ્ટોક બાકી છે. આ પરિસ્થિતિને કારણે પાકિસ્તાનની હોસ્પિટલોમાં છટણી થઈ શકે છે. તેનાથી દર્દીઓની મુશ્કેલીમાં વધારો થશે.

ફાર્મા કંપનીઓએ હેલ્થકેર સિસ્ટમની કટોકટી માટે નાણાકીય સિસ્ટમની કટોકટીને જવાબદાર ઠેરવી છે અને જણાવ્યું છે કે કોમર્શિયલ બેંકો તેમની આયાત માટે નવા લેટર્સ ઓફ ક્રેડિટ (એલસી) જારી કરતી નથી.

પાકિસ્તાનની ફાર્મા ઇન્ડસ્ટ્રી આયાત પર નિર્ભર છે. દવાના ઉત્પાદન માટેના 95 ટકા કાચા માલની આયાત ભારત અને ચીનથી થાય છે. ડોલરની અછતને કારણે મોટાભાગની ફાર્મા કંપનીઓના શિપમેન્ટ કરાચી પોર્ટ પર અટવાયા છે.

 

 

LEAVE A REPLY

12 − 4 =