Insight UK appeals, give proper protection to Hindus

યુકેમાં વિવિધ ન્યૂઝ મીડિયા દ્વારા બ્રિટિશ હિંદુ અને બ્રિટિશ ઈન્ડિયન (BHI) સમુદાયોના કરાતા ચિત્રણ અંગે ઇનસાઇટ યુકે દ્વારા કરાયેલા બ્રિટિશ મીડિયા અને પર્સેપ્શન રીપોર્ટમાં બહાર આવ્યું છે કે યુકેના 80 ટાકા મીડિયા દ્વારા ભારત અથવા ભારતીયો, અને હિંદુ ધર્મ અથવા હિંદુઓને જે રીતે દર્શાવવામાં આવે છે તેના કારણે હિંદુઓને વ્યક્તિગત રીતે પૂર્વગ્રહ અથવા નફરતનો અનુભવ થયો હતો.

89 ટકા લોકો માને છે કે બ્રિટિશ મીડિયા જ્યારે હિંદુ સમુદાયને લગતી બાબતો પર અહેવાલ આપે છે ત્યારે તેમનામાં નિષ્પક્ષતાનો અભાવ હોય છે. જ્યારે 91 ટકા લોકોનું માનવું હતું કે મિડીયાનું ભારત પરનું રિપોર્ટિંગ સંતુલિત નથી. સર્વેમાં 90 ટકાથી વધુ લોકોએ BBCને હિંદુ ધર્મ અને ભારત સંબંધિત માહિતીનો સૌથી અવિશ્વસનીય સ્ત્રોત ગણ્યું હતું. ત્યારબાદ ધ ગાર્ડિયન આવે છે. BBC અને ગાર્ડિયન બંને સમક્ષ BHI સમુદાયના સભ્યો દ્વારા સૌથી વધુ ફરિયાદો કરાઇ છે. 98 ટકા ફરિયાદીઓ તેમના જવાબોથી અસંતુષ્ટ હતા. 11 ટકા ફરિયાદીઓએ તેમની ચિંતાઓ ઑફકોમ સુધી પહોંચાડી હતી અને તેમાંથી 97 ટકા લોકો ઑફકોમના પ્રતિસાદથી પણ અસંતુષ્ટ હતા.

સર્વેમાં જણાવાયું હતું કે ડેટા પુરાવા દર્શાવે છે કે હિંદુ સમુદાય વધુને વધુ અવિશ્વાસ અને મુખ્ય પ્રવાહના માધ્યમો પ્રત્યે શંકાશીલ બની રહ્યો છે. ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે ભારત અને હિંદુઓ પરના મીડિયા અહેવાલો તેમના વિશે નકારાત્મક ધારણાઓમાં પરિણમે છે. સર્વેક્ષણના 59 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ હિંદુઓ અને હિંદુ ધર્મ પર મીડિયા રિપોર્ટિંગના પરિણામે પૂર્વગ્રહના સાક્ષી બન્યા છે અથવા કડવા અનુભવ થયા છે. ભારત અને ભારતીયો પરના રિપોર્ટિંગને કારણે 70 ટકા લોકોને એવું લાગ્યું હતું. 86 ટકા લોકોએ ટીવી લાઇસન્સ ફીને સમર્થન આપ્યું ન હતું અને 89 ટકા લોકો ભારપૂર્વક માનતા હતા કે લાયસન્સ ફીને અપરાધિક બનાવવા અંગે વિચારણા કરવા માટે લોકમત યોજવો જોઈએ. આ લાગણીઓ બ્રિટિશ હિંદુ અને બ્રિટિશ ભારતીય સમુદાયને લગતા મુદ્દાઓ પર અપૂરતું પ્રતિનિધિત્વ અને પક્ષપાતી રિપોર્ટિંગ અંગેની ચિંતાઓથી ઉદ્દભવી હતી.

91 ટકા લોકોએ મીડિયા તેમને “બ્રિટિશ ભારતીય” અથવા “બ્રિટિશ હિન્દુ” અથવા ફક્ત “ભારતીય” તરીકે ઓળખે તેવી પસંદગી વ્યક્ત કરી હતી. માત્ર 5 ટકા કરતા ઓછા લોકોએ ઓળખ તરીકે  “એશિયન” શબ્દના ઉપયોગની તરફેણ કરી હતી.

ઇનસાઇટ યુકેએ જણાવ્યું હતું કે અમારા રાષ્ટ્રવ્યાપી સર્વેનો હેતુ સમુદાયના સભ્યો મીડિયાની રજૂઆતને કેવી રીતે માને છે તેની વધુ સારી સમજણને પ્રોત્સાહન આપવાનો છે. નિષ્પક્ષતા, સચોટતા અને સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપવા માટે મીડિયા ચોક્કસ સમુદાયને કેવી રીતે ચિત્રિત કરે છે તેની તપાસ કરવી જરૂરી છે.

ઇન્સાઇટ યુકે દ્વારા નવેમ્બર 2022થી ફેબ્રુઆરી 2023 સુધી, યુકેમાં રહેતા હિન્દુઓ અને ભારતીયોને બ્રિટિશ મીડિયા વિશે તેઓ શું વિચારે છે તે વિશે પૂછવા આ સર્વે હાથ ધરાયો હતો. જેમાં યુકેના તમામ પ્રદેશોમાંથી 2,061 લોકોએ ભાગ લીધો હતો. 2021ની વસ્તી ગણતરી મુજબ એકલા ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 1.03 મિલિયન હિંદુઓ અને 1.86 મિલિયન ભારતીયો નોંધાયા હતા.

LEAVE A REPLY

18 − twelve =