આંતરરાષ્ટ્રીય મહિલા દિનના પ્રસંગે સેન્ડ આર્ટિસ્ટ માનસ સાહૂએ સોમવાર, 7 માર્ચ 2022ના રોજ પૂરીના દરિયાકાઠે કલાકૃતિ બનાવી હતી. (PTI Photo)

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આંતરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે મહિલાઓના સશક્તિકરણમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર 29 મહિલાઓને વર્ષ 2020 અને 2021 માટે નારી શક્તિ પુરસ્કાર પ્રદાન કર્યા હતા. રાષ્ટ્રપતિએ મહિલાઓ માટે કામ કરનારા 29 મહિલાઓને 28 પુરસ્કાર આપ્યા છે. આમાંથી 2020 માટે 14 પુરસ્કાર અને 2021 માટે 14 પુરસ્કાર સામેલ છે. નારી શક્તિ પુરસ્કાર વ્યક્તિઓ અથવા સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા નોંધપાત્ર યોગદાન માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ સોમવારના રોજ નારી શક્તિ પુરસ્કારથી સન્માનિત મહિલાઓ સાથે મુલાકાત કરીને તેમના શુભેચ્છા આપી હતી. આ પુરસ્કાર પ્રાપ્ત કરનારા લોકોમાં મર્ચન્ટ નેવીના કેપ્ટન રાધિકા મેનન, સામાજીક કાર્યકર્તા અનીતા ગુપ્તા, ઓર્ગેનિક ખેતી કરનારા આદિવાસી કાર્યકર્તા ઉષાબેન દિનેશભાઈ વસાવા, નવાચાર માટે લોકપ્રિય નાસિરા અખ્તર, ઈન્ટેલ ઈન્ડિયાના પ્રમુખ નિવૃત્તિ રાય, ડાઉન સિંડ્રોમથી પીડિત કથક નૃત્યાંગના સાયલી નંદકિશોર અગવાને, સાપોને બચાવનાર પ્રથમ મહિલા વનિતા જગદેવ બોરાડે અને ગણિતના નિષ્ણાંત નીના ગુપ્તા સામેલ છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાને જણાવ્યું કે, આપણે સુનિશ્ચિત કરવું જરૂરી છે કે, તમામ મહિલાઓ પરિવાર સ્તર પર નિર્ણય લેવાની પ્રક્રિયાનો ભાગ બને. જો તેમના આર્થિક સશક્તિકરણના પરિણામ સ્વરુપ શક્ય બનશે.