હાર્દિક પટેલ (Photo by SAJJAD HUSSAIN/AFP via Getty Images)

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલે પાટીદાર આગેવાન નરેશ પટેલને સક્રિય રાજકારણમા આવવા માટેનું આમંત્રણ આપતો એક ખુલ્લો પત્ર લખતા રાજકીય હલચલ શરૂ થઈ હતી. જોકે રાજકારણમાં પ્રવેશ કરવાના અનેક વખત સંકેત આપી ચુકેલા નરેશ પટેલે આવા કોઇ પત્રની માહિતી હોવાનો ઇનકાર કર્યો હતો.

હાર્દિક પટેલે પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં એક જ પાર્ટીનું શાસન છે અને આવા સંજોગોમાં જો નરેશભાઈ કોંગ્રેસમાં જોડાય અને રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવે તો સ્વાભાવિક રીતે ગુજરાતની જનતાને ફાયદો થઈ શકે છે.

જોકે નરેશ પટેલે જણાવ્યું છે કે, મને હજી સુધી લેટર મળ્યો નથી. આવા આમંત્રણ મને દરેક પક્ષમાંથી આવે છે જેથી યોગ્ય સમયે હું નિર્ણય લઈશ.’ અગાઉ કાગવડ ખાતે ખોડલધામ મંદિરના પંચવર્ષીય પાટોત્સવ દરમિયાન નરેશ પટેલે જણાવ્યું હતું કે, રાજકારણમાં આવવું તે મારા માટે સમયનો પ્રશ્ન છે. અહી બેસેલા સમાજના આગેવાનો અને નેતાઓ કહેશે તો રાજકારણમાં ચોક્ક્સથી જોડાઈશ. સમાજના આગેવાનો અમારા મહારથીઓ છે. જ્યારે પણ રાજકારણમાં આવવાનું થશે ત્યારે ખોડલધામના મંચ પરથી નહીં પરંતુ વ્યક્તિગત જાહેરાત કરીશ