ગુજરાત સરકારના ગુજસેલ તથા વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરત એરપોર્ટથી રાજ્યમાં આંતરિક ફ્લાઇટ સર્વિસનો રાજ્યના નાગરિક ઉડ્ડયન પ્રધાન પૂર્ણેશભાઈ મોદી તથા કેન્દ્રીય રેલ્વે રાજ્ય પ્રધાન દર્શનાબેન જરદોશના હસ્તે પ્રારંભ થયો હતો. શનિવારે નવા વર્ષના પ્રારંભે સુરતથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી સુધીની હવાઈસેવા શરૂ કરવામાં આવી હતી.
આગામી સમયમાં નવ પ્રગતિપંથવાળા રસ્તાઓનું નિર્માણ કરવાનું આયોજન હોવાનું જણાવીને પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, ટુંક સમયમાં તારાપુરથી બગોદરાના રસ્તાને ખુલ્લો મૂકાશે. જેનાથી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાત રોડમાર્ગે જોડાણ વધશે. ભિલાડથી લઈ કચ્છના નારાયણ સરોવર સુધી કોસ્ટલ હાઇવેનું નિર્માણ કરીને દરિયા કિનારાના રસ્તાઓને જોડીને લોકોને ઝડપી સુવિધા મળે તે માટેનું આયોજન હોવાનું તેમણે કહ્યું હતું. સુરતથી હાંસોટ, જંબુસર, ખંભાતથી થઈ ભાવનગરને જોડતા હાઈવેના નિર્માણ તરફ આગળ સરકાર આગળ વધી હોવાનું તેમણે જણાવ્યું હતું.
વેન્ચુરા દ્વારા વિમાન ૯ પેસેન્જર અને ૨ પાઈલોટ સાથે ઉડાન ભરશે અને સુરતથી ભાવનગર ૩૦ મિનિટમાં, સુરતથી અમરેલી ૪૫ મિનિટમાં, સુરતથી અમદાવાદ ૬૦ મિનિટમાં અને સુરતથી રાજકોટ ૬૦ મિનિટમાં સફર પૂર્ણ થશે. રાજ્ય સરકારના સહયોગથી શરૂ થયેલી આ ઝડપી હવાઈસેવાનો ઈમરજન્સીના સમયે વૃદ્ધ-અશક્તો માટે તો ફાયદો થશે જ, સાથોસાથ ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થશે. આ એરલાઈન્સનો તમામ વર્ગના લોકો લાભ લઈ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેકટર માટે એકસમાન રૂ. ૧૯૯૯ ટિકિટદર રાખવામાં આવ્યો છે.