ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2026 માટે અબુ ધાબીના એતિહાદ સેન્ટર ખાતે મંગળવાર, 16 ડિસેમ્બરે યોજાયેલા મિનિ ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો હતો. હરાજીમાં કોલકાતા નાઈટ રાઇડર્સે તેને રૂ.25.2 કરોડમાં ($2.77 મિલિયન)માં સાઇન કર્યો હતો. આ ઉપરાંત કેકેઆરએ શ્રીલંકાના ઝડપી બોલર મથેશા પથિરાનાને ખરીદવા રૂ.18 કરોડનો જંગી ખર્ચ કર્યો હતો.
અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ માટે પણ જંગી બિડ થઈ હતી. ઉત્તરપ્રદેશના 20 વર્ષીય ડાબોડી સ્પિનર પ્રશાંત વીર અને રાજસ્થાનના 19 વર્ષીય કીપર-બેટર કાર્તિક શર્મા પ્રત્યેકને ચેન્નાઈ સુપર કિંગ્સે રૂ.14.20 કરોડમાં ખરીદ્યા હતાં. આ બંને ખેલાડીઓ આઈપીએલ હરાજીના ઇતિહાસમાં સૌથી વધુ મોંઘા અનકેપ્ડ ખેલાડીઓ બન્યાં હતાં. પ્રત્યેકની બેઝ પ્રાઇસ માત્ર રૂ.30 લાખ હતી.
જમ્મુ-કાશ્મીરના ઝડપી બોલર ઓકિબ નબી ડારે પણ દિલ્હી કેપિટલ્સ તરફથી રૂ.8.40 કરોડની મોટી રકમ મેળવી હતી. ડારની બેઝ પ્રાઈસ પણ 30 લાખ રૂપિયા હતી.
જોકે તાજેતરમાં સારો દેખાવ કર્યો હોવા છતાં ભારતીય સ્ટાર પૃથ્વી શો અને સરફરાઝ ખાન હરાજીમાં વેચાયા ન હતાં.
કેમેરોન ગ્રીને પોતાના દેશબંધુ મિશેલ સ્ટાર્ક (રૂ.૨૪.૭૫ કરોડ)નો રેકોર્ડ તોડી આઈપીએલ હરાજીમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ તેના માટે જોરદાર બિડિંગ વોર થયું હતું.
KKRએ વેંકટેશ ઐયરની ખરીદવાનો પણ જોરદાર પ્રયાસ કર્યો હતો. જોકે આખરે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ભારતના આ ઓલરાઉન્ડરને રૂ.7 કરોડમાં ખરીદ્યો હતો.
રૂ.2 કરોડના બેઝ પ્રાઈસ સાથે હરાજીમાં સામેલ કરાયેલો પથિરાના આઈપીએલ હરાજીમાં સૌથી મોંઘા વેચાયેલો શ્રીલંકન ખેલાડી બન્યો હતો.
દક્ષિણ આફ્રિકાના બિગ હિટર ડેવિડ મિલરને દિલ્હી કેપિટલ્સે તેની બેઝ પ્રાઈઝ રૂ.2 કરોડ ખરીદ્યો હતો, પરંતુ ન્યુઝીલેન્ડનો ડેવોન કોનવે, જેની બેઝ પ્રાઈઝ પણ રૂ.2 કરોડ હતી, તે હરાજીમાં વેચાયા વિના રહ્યો હતો. દક્ષિણ આફ્રિકાના અનુભવી ઓપનર ક્વિન્ટન ડી કોક રૂ.1 કરોડના બેઝ પ્રાઈઝ સાથે પોતાના જૂના બેઝ મુંબઈ ઇન્ડિયન્સમાં પાછો ફર્યો હતો.
આ વર્ષના ઓક્શનમાં કુલ 369 ખેલાડીઓના નામ હતાં. તેમા ભારતના 246 અને વિદેશના 113 ખેલાડી હતી. 10 ફ્રેન્ચાઇઝીએ તેમના 77 સ્લોટ ભરવા માટે તેમાં ભાગ લીધો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે પાસેથી સૌથી વધુ રૂ.૬૪.૩૦ કરોડ અને ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે રૂ.૪૩.૪૦ કરોડનું ફંડ હતું. આ ઉપરાંત SRH પાસે રૂ.૨૫.૫૦ કરોડ, LSG પાસે રૂ.૨૨.૯૫ કરોડ, DC પાસે રૂ.૨૧.૮૦ કરોડ, RCB પાસે રૂ.૧૬.૪૦ કરોડ, RR પાસે રૂ.૧૬.૦૫ કરોડ, GT પાસે રૂ.૧૨.૯૦ કરોડ, PBKS પાસે રૂ.૧૧.૫૦ કરોડ, અને MI પાસે રૂ. ૨.૭૫ કરોડનું ફંડ હતું.














