પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL), ૨૦૨૧ માટે ખેલાડીની હરાજી ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નઇમાં થશે, એવી આઇપીએલના ટ્વીટર હેન્ડલ પર બુધવારે જાહેરાત કરાઇ હતી. આઇપીએલની ૧૪મી સિઝન માટે ચેન્નઇમાં એક મિની ઓક્શન થશે. આ ઓક્શનમાં તમામ ફ્રેન્ચાઇઝી નવા ખેલાડીઓની પસંદગી કરશે.

ચેન્નાઇમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ બે ટેસ્ટ બાદ મિની ઓક્શન યોજાશે. આ સિરિઝનો પ્રારંભ પાંચ ફેબ્રુઆરીએ થશે અને બીજી ટેસ્ટ 13થી 17 ફેબ્રુઆરીએ યોજાશે. આઇપીએલની નવી સિઝન ભારતમાં રમાશે કે નહીં તે અંગે બીસીસીઆઇએ હજુ કોઇ નિર્ણય કર્યો હતો.

ફ્રેન્ચાઇઝી ટીમોએ કુલ ૧૩૯ ખેલાડીઓને જાળવી રાખ્યા છે, જ્યારે ૫૭ ખેલાડીઓને રીલિઝ કર્યા છે. ખેલાડીઓને રિટેન કરવાની છેલ્લી તારીખ ૨૦ જાન્યુઆરી હતી, જ્યારે ચાર ફેબ્રુઆરી સુધી ટ્રેડિંગ વિન્ડો ચાલુ રહેશે.

આઇપીએલના ઓક્શન પહેલાં ટીમો દ્વારા ઘણા ખેલાડીઓને રીલિઝ કરવામાં આવ્યા છે. હરભજન સિંઘનો કરાર ચેન્નઇ સુપર કિંગ્સ સાથે પૂરો થયો છે. ઉપરાંત રીલિઝ કરાયેલા ખેલાડીઓમાં સ્ટીવ સ્મિથ અને ગ્લેન મેક્સવેલ જેવા મોટા નામ સામેલ છે.

હરાજી માટે કિંગ્સ ઇલેવન પંજાબ પાસે સૌથી વધુ ૫૩.૨૦ કરોડ રૂપિયા છે, જે બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પાસે ૩૫.૯૦ કરોડ, રાજસ્થાન રોયલ્સ પાસે ૩૪.૮૫ કરોડ રૂપિયા છે. કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે ૧૦.૭૫ કરોડ રૂપિયા છે.