FILE PHOTO:ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ કદીમીની હત્યા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. રવિવારે સવારે બગદાદમાં તેમના નિવાસસ્થાન પર વિસ્ફોટકોથી ભરેલા ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો, . Stefanie Loos/Pool via REUTERS/File Photo

ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ કદીમીની હત્યા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. રવિવારે સવારે બગદાદમાં તેમના નિવાસસ્થાન પર વિસ્ફોટકોથી ભરેલા ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. જોકે આ હુમલામાં વડાપ્રધાનને કોઇ ઇજા થઈ ન હતી. આ હુમલો થયો તે સમયે ઘરે તેઓ પર ઉપસ્થિત હતા. ઇરાકની મિલિટરીએ આ હુમલાને વડાપ્રધાનની હત્યાનો પ્રયાસ ગણાવ્યો હતો.

સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે કદીમીના સુરક્ષાની જવાબદારી સંભાળતા છ જવાનાને ઇજા થઈ હતી. સુરક્ષા જવાનો આ હુમલા વખતે વડાપ્રધાનના નિવાસસ્થાનને બહાર ઊભા હતા.

ઈરાકી લશ્કરી સેનાએ વડાપ્રધાન પર થયેલા આ હુમલાને અસફળ હુમલો જાહેર કર્યો છે. આર્મીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન કદીમીને આ હુમલાથી કોઈ જ નુકસાન થયું નથી અને તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ હુમલાને લઈ તમામ જરૂરી પગલાઓ ભરવામાં આવી રહ્યા છે.

ડ્રોન હુમલાના થોડા સમય બાદ કદીમીએ ટ્વિટરના માધ્યમથી પોતે સુરક્ષિત હોવાની જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે, ‘વિશ્વાસઘાતના રોકેટ વિશ્વાસ કરનારા લોકોના મનોબળને તોડી નહીં શકે. અમારા શુરવીર સુરક્ષા દળ દૃઢ રહેશે, કારણ કે, તેઓ લોકોની સુરક્ષા જાળવી રાખવાનું, ન્યાય અપાવવાનું અને કાયદો લાગુ કરવાનું કામ કરે છે.’ વધુમાં લખ્યું હતું કે, ‘હું ઠીક છું, ઉપરવાળાનો ધન્યવાદ છે, અને હું ઈરાક માટે, સૌને શાંતિ અને સંયમનું આહ્વાન કરૂ છું.’

જોકે હજુ સુધી કોઈએ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આ તરફ બગદાદના ગ્રીન ઝોન ક્ષેત્રની બહાર ડેરા નાખીને બેઠેલા ઈરાન સમર્થક શિયા ફાઈટર્સના સમર્થકો અને દંગા વિરોધી પોલીસ દળ વચ્ચે શુક્રવારે અથડામણ થઈ હતી, જે બાદમાં હિંસક બની ગઈ હતી. આ વિસ્તારમાં વડાપ્રધાન કદીમીનું ઘર અને અમેરિકી દૂતાવાસ આવેલા છે.
પ્રદર્શનકારીઓએ ગત મહિને સંસદીય ચૂંટણીના પરિણામોમાં મળેલી હારને નકારી દીધી હતી. ચૂંટણીમાં ઈરાન સમર્થક ફાઈટર્સને ભારે મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. તે ઘટનામાં એક પ્રદર્શનકારીનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા.