photo twitter

ગત દિવસોમાં કદ્સ ફોર્સના પ્રમુખ મેજર જનરલ કાસિમ સુલેમાનીના મોત બાદ ઈરાને ઇરાકના અમેરિકન એરબેઝ પર મિસાઇલથી હુમલો કર્યો હતો. હુમલા બાદ અમેરિકાએ દાવો કર્યો હતો કે તેનો કોઈ સૈનિક ઘાયલ થયો નથી. પરંતુ હવે એવા સમાચાર આવી રહ્યા છે કે આ હુમલામાં અમેરિકાના 11 સૈનિકો ઘાયલ થયા હતા.

ન્યૂઝ એજન્સી જણાવ્યા પ્રમાણે સૂત્રોનું કહેવું છે કે 11 સૈનિકો ઘાયલ થયા હતા. આ સૈનિકો અલ-અસદ એરબેઝ ફર તહેનાત હતા. જેમાંથી અનેક સૈનિકોએ હુમલા બાદ ચક્કર આવવાની ફરિયાદ કરી હતી. હુમલામાં કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

ઈરાને દાવો કર્યો હતો કે મેજર નજરલ કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા માટે અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર આશરે બે ડઝન મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ હુમલામાં અમેરિકાના 80 સૈનિકોનાં મોત થયા છે.

પરંતુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના દાવાને ખોટો ગણાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે કોઈ પણ અમેરિકન સૈનિકને નુકસાન થયું નથી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અનેક કલાક પહેલા અમેરિકાને આ મિસાઇલ હુમલાની ખબર પડી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકાને સેટેલાઇટથી આ અંગેની જાણકારી મળી હતી.

આ એ જ સેટેલાઇટ છે જેની નૉર્થ કોરિયાના ન્યૂક્લિયર ટેસ્ટ પર નજર રહે છે. સૂચના મળતા જ અમેરિકન સૈનિકો બંકરમાં ઘૂસી ગયા હતા. ટ્રમ્પે કહ્યુ કે હુમલા પહેલા એલાર્ટ સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ હતી, જેના કારણે કોઈનો જીવ ગયો ન હતો. ઈરાને ઈરાકમાં અમેરિકાના બે એરબેઝ અલ-અસદ અને ઇરબિલને નિશાન બનાવ્યા હતા. રિપોર્ટ્સ પ્રમાણે ઈરાને રાત્રે 1:45 થી 2:15 વાગ્યે 22 મિસાઇલ છોડી હતી.

જેમાંથી 17 મિસાઇલ અલ અસદ એરબેઝ પર છોડવામાં આવી હતી. અલ અસદના પાંચ સ્ટ્રક્ચરને નિશાન બનાવવામાં આવ્યા હતા. જ્યારે અનેક નિશાન ફેલ ગયા હતા, જેનાથી કોઈ નુકસાન થયું ન હતું. એક મિસાઇલ તો અલ અસદ એરબેઝથી 40 કિલોમીટર દૂર એક ગામમાં પડી હતી. જ્યારે એક મિસાઇલ ઇરબિલથી 47 કિલોમીટર દૂર પડી હતી.