Getty Images)

ચાબહાર-જાહિદાન રેલવે પ્રોજેક્ટમાંથી ભારત બહાર થયાના સમાચારો વચ્ચે ઈરાન હવે વધુ એક મોટી પરિયોજના માટે એકલું જ આગળ વધી શકે તેમ છે. આ પરિયોજના ગેસ ફીલ્ડ ફારજાદ-બી બ્લોકના વિકાસ માટેની છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ગુરૂવારની પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું કે, ‘ઈરાને ભારતને સૂચિત કર્યું છે કે તે હાલ ગેસ ફિલ્ડને એકલું જ વિકસિત કરવા જઈ રહ્યું છે.’ ઈરાનના કહેવા પ્રમાણે ભારત આ પરિયોજનામાં પાછળથી સામેલ થઈ શકે છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, ‘ફારજાદ-બી ગેસ ફિલ્ડ સમજૂતીને લઈ પણ અનેક સમાચારો આવી રહ્યા છે. તેમાં એક્સપ્લોરેશન સ્ટેજમાં ભારતની ઓએનજીસી (ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન) કંપની પણ સામેલ હતી. જો કે ઈરાન તરફથી નીતિગત ફેરફારો કરવામાં આવ્યા તેના કારણે દ્વીપક્ષીય સહયોગ પર અસર પડી છે. જાન્યુઆરી 2020માં આપણને એમ કહેવામાં આવ્યું હતું કે, ભવિષ્યમાં ઈરાન પોતાની જાતે જ ગેસ ફિલ્ડ વિકસિત કરશે અને તે પછીના તબક્કાઓમાં ભારતની ઉપસ્થિતિ ઈચ્છે છે. આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે.’

ભારત 2009ના વર્ષથી જ ગેસ ફિલ્ડનો કોન્ટ્રાક્ટ મેળવવા પ્રયત્નો કરી રહ્યું હતું. ફારજાદ-બી બ્લોકમાં 21.6 ટ્રિલિયન ક્યુબિક ફૂટનો ગેસ ભંડાર છે. અહેવાલ પ્રમાણે ફારજાદ-બી બ્લોક ડેવલપમેન્ટ જે પહેલા ઈરાન અને ઓએનજીસી વિદેશનું જોઈન્ટ પ્રોજેક્ટ હતું તેને હવે એક સ્થાનિક કંપનીને સોંપવામાં આવી શકે છે. અમેરિકાએ ઈરાન સાથેના પરમાણુ કરાર પર પૂર્ણવિરામ મુકવાની સાથે તેના પર તમામ પ્રકારના પ્રતિબંધો લાગુ કર્યા હતા જેની અસર ઈરાનમાં ભારતની પરિયોજનાઓ પર પણ પડી.

એક તરફ ઈરાન અને ચીન 25 વર્ષ માટે 400 અબજ ડોલરની રાજદ્વારી અને આર્થિક સમજૂતીને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે તેવા સમયે આ નિર્ણય સામે આવ્યો છે. ઈરાન અને ચીન વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી પર ઈરાનની સંસદ મહોર મારે તેની રાહ જોવાઈ રહી છે. આ તરફ ચાબહાર બંદર અને ચાબહાર-જાહિદાન રેલવે પ્રોજેક્ટ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ પરિયોજનાઓને લઈ ઈરાનના જવાબની રાહ જોવાઈ રહી છે તેમ કહ્યું હતું.

જાણવા મળ્યા મુજબ ચાબહાર-જાહિદાન રેલવે પ્રોજેક્ટમાં ફન્ડિંગમાં મોડું કરવાને લઈ ઈરાને ભારતને બહાર કરી દીધું છે. જો કે વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે ભારત હાલ આ પરિયોજનાઓને લઈ ઈરાનની સત્તાવાર મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. ઈરાનના ઉપ રાષ્ટ્રપતિ એસ્હાહ જહાંગીરીએ થોડા સમય પહેલા કહ્યું હતું કે, ‘સરકારે રેલવે લિંકના નિર્માણ માટે નેશનલ ડેવલપમેન્ટ ફંડમાંથી 300 મિલિયન ડોલર ખર્ચ કરવા મંજૂરી આપી છે.’

વ્યૂહાત્મક રીતે પણ ચાબહાર પરિયોજના ભારત માટે ખૂબ જ મહત્વની છે. આ પરિયોજના અંતર્ગત ભારત-ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે અનેક પ્રોજેક્ટ્સને લઈ સહમતી સધાઈ હતી. ચાબહાર એ ઓમાનની ખાડીમાં ઈરાનનું એકમાત્ર સમુદ્રી બંદર છે.