મહંમદ પયગંબર સાહેબ અંગેની ભાજપના બે નેતાઓની વિવાદાસ્પદ ટીપ્પણીના વિરુદ્ધમાં મુસ્લિમોએ શુક્રવારની નમાઝ પછી અમદાવાદમાં દેખાવો કર્યા હતા. REUTERS/Amit Dave

પયગંબર સાહેબ અંગે ભાજપના બે નેતાઓના વિવાદાસ્પદ નિવેદનનોનો વિરોધ કરવા મુસ્લિમોએ શુક્રવારની નમાઝ બાદ અમદાવાદ, વડોદરા અને સુરત દેખાવો કર્યા હતા. અમદાવાદના મિર્ઝાપુરમાં જુમ્માની નમાઝ બાદ મોટી સંખ્યામાં લોકોનું ટોળું રોડ પર ઉતરી આવ્યું હતું. પોલીસે લોકોને સમજાવીને લોકોને ઘરે પાછા મોકલવાનો પ્રયાસો કર્યા હતા. પોલીસે મુસ્લિમ આગેવાનોને બોલાવી લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. લાલ દરવાજા સરદાર બાગ પાસે મોટી સંખ્યામાં મહિલાઓ અને મુસ્લિમ સમાજના લોકો ભેગા થઇ સૂત્રોચ્ચાર કર્યો હતો.

વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલું ઢાલગરવાડ બજાર અને ત્રણ દરવાજા બજાર આખું બંધ રાખવામાં આવ્યું હતું. દરિયાપુર વિસ્તારમાં પણ બંધ રાખવામાં આવ્યો હતો. ઉપરાંત સ્થાનિકોએ ભાજપના નેતા નૂપૂર શર્માની ધરપકડની માગ કરતાં બેનર લઈને રેલી કાઢી હતી. પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. અજાણ્યા શખસોએ વડોદરા શહેરમાં જાહેર માર્ગ પર નૂપુર શર્મા અને નવીન જિંદાલની ધરપકડના પોસ્ટર ચોંટાડ્યા હતા.