(ANI Photo)

ભાજપના સાંસદ મેનકા ગાંધીએ ઇસ્કોન પર ગંભીર આક્ષેપ કર્યો છે કે ઇસ્કોન દેશની સૌથી મોટી ઠગ છે અને તે તેની ગૌશાળામાંથી ગાયો કસાઇઓને વેચે છે. મેનકા ગાંધી આવું બોલતા હોય તેવો એક વીડિયો વાયરલ બન્યો છે. જોકે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન)એ આ આક્ષેપોને સખત શબ્દોમાં નકારી કાઢી તેને અપ્રમાણિત અને ખોટા ગણાવ્યાં હતાં. મેનકા ગાંધી પ્રાણીઓના અધિકાર માટે લડતા એક જાણીતા કાર્યકર પણ છે. રાષ્ટ્રીય જનતા દળ (RLD)ના રાષ્ટ્રીય પ્રચાર પ્રભારી પ્રશાંત કનોજિયાએ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો.

આ વીડિયો અંગેની ટીપ્પણી માટે મેનકા ગાંધીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમનો કોઇ જવાબ મળ્યો ન હતો. આ વીડિયોમાં મેનકા ગાંધીએ કહ્યું હતું કે ઇસ્કોન ગૌશાળાઓની સ્થાપના કરે છે અને સરકાર તરફથી વિશાળ જમીનોના સ્વરૂપમાં અમર્યાદિત લાભો મેળવે છે. ઇસ્કોન તેની તમામ ગાયો કસાઈઓને વેચે છે અને તેમના કરતાં બીજુ કોઇ આવા કામો વધુ કરતું નથી. તેઓ એવા લોકો છે, જેઓ ‘હરે રામા હરે કૃષ્ણ’ના નારા લગાવતા રસ્તા પર ફરે છે અને કહે છે કે તેમનું આખું જીવન દૂધ પર નિર્ભર છે.

મેનકા ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે “મેં તાજેતરમાં તેમની અનંતપુર ગૌશાળા (આંધ્રપ્રદેશમાં)ની મુલાકાત લીધી હતી અને ત્યાં એક પણ ગાય સારી હાલતમાં મળી ન હતી… ગૌશાળામાં એક પણ વાછરડું ન હતું, જેનો અર્થ એ છે કે તે તમામ વેચી દેવામાં આવ્યા હતા.”

આવા આક્ષેપોનું ખંડન કરતાં ઇસ્કોને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગૌમાંસ મુખ્ય આહાર છે તેવા વિશ્વના ઘણા વિસ્તારોમાં તેને ગૌરક્ષાની પહેલ કરી છે. ભારતમાં ઇસ્કોન સેંકડો પવિત્ર ગાયો અને બળદોનું રક્ષણ કરતી 60થી વધુ ગોશાળાઓ ચલાવે છે અને તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન વ્યક્તિગત સંભાળ રાખે છે. ઇસ્કોનની ગૌશાળાઓમાં ઘણી એવી ગાયો અમે લાવ્યા છે કે જેમને ત્યજી દેવાઈ હતી, ઘાયલ થયેલી હતી અને કતલથી બચાવવામાં આવી હતી.

LEAVE A REPLY

13 + six =