બ્રિટનમાં ફેલાઇ રહેલા કોવિડ-19 રોગચાળાને ડામવા અને બીજા તરંગ સામે તૈયારીઓ કરવા સરકાર સેલ્ફ આઇસોલેશનના નિયમોનો ભંગ કરનાર લોકોને સરકાર £10,000નો દંડ કરવાની તૈયારી કરી રહી છે.

હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોકે ટાઇમ્સ રેડિયોને જણાવ્યું હતું કે ‘’જો નિયમોનો ભંગ કરનાર “નોંધપાત્ર લઘુમતી” લોકો તેમની વર્તણૂક બદલે તોજ રાષ્ટ્રીય લોકડાઉન અટકાવી શકાય તેમ છે. તેમણે લોકોને વિનંતી કરી કે આઇસોલેશન કે રૂલ ઓફ સીક્સના નિયમોનો ભંગ કરનાર લોકો અંગે પોલીસને માહિતી આપે જેથી પોલીસ ખોટું કામ કરનારા લોકો પર સખત પગલા લઇ શકે. જો આપણે નેશનલ લોકડાઉન અને અન્ય પગલાં ટાળવા માંગતા હોઈએ તો દરેક જણ નિયમોનું પાલન કરે તે જરૂરી છે.”

સેલ્ફ આઇસોલેશન નિયમોનો ભંગ કરવા બદલ પહેલા £1,000ના દંડથી શરૂઆત થશે પરંતુ ફરીથી થતા ગુના માટે £10,000 સુધી દંડ થઈ શકે છે. ઓછી આવક ધરાવતા લોકોએ £500 દંડ ચૂકવવો પડશે.