Param Pujya Swami Chidananda Saraswati (Muniji)

– પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી)

સામાન્ય રીતે જીવનમાં આપણી પોતાની જવાબદારી અને પોતાની ભૂલો સ્વીકારવાનું સરળ હોતું નથી. કોઇપણ નિષ્ફળતામાં બીજા લોકોને જવાબદાર માનવાનું, તેમની ટીકા કરવાનું, તેમનું મૂલ્યાંકન કરવાનું ખૂબ જ સરળ હોય છે. આપણે પોતે તે નકારાત્મક બાબતના નિરાકરણ માટે કેટલા પ્રયત્નો કર્યા છે તે વિશે ખૂબ જ ઓછું વિચારીએ છીએ. આથી બીજા લોકોને દોષ દેવાનું ખૂબ જ સરળ હોય છે.

એકવાર એક મહિલા ડોક્ટર પાસે ગઈ. તેણે ડોક્ટરને કહ્યું કે, ‘મારા પતિ ઊંઘમાં આખી રાત બબડ્યા કરે છે. તમે તેમના માટે મને કોઈ દવા આપો જેથી તે ઊંઘમાં બોલવાનું બંધ કરે.’ ડોક્ટરે તે મહિલાને દવા લખી આપી અને જણાવ્યું કે, ‘જો તમે દરરોજ આ દવા લેશો તો તમારા પતિ ઊંઘમાં બોલવાનું બંધ કરશે.’

ડોક્ટરની આ વાત સાંભળીને તે મહિલાને આશ્ચર્ય થયું, તેણે કહ્યું કે, ‘મારે દવા શા માટે લેવી જોઈએ? તકલીફ તો મારા પતિને છે. હું બિમાર નથી. મારા પતિ બિમાર છે, તેઓ જ ઊંઘમાં બબડ્યા કરે છે. તમારે તેમના માટે જ દવા લખવી પડશે.’

ડોક્ટરે તે મહિલાને સમજાવ્યું કે, ‘મેડમ, તમારા પતિ ઊંઘમાં એટલા માટે બબડ્યા કરે છે કારણ કે તમે તેને દિવસે બોલવાની તક આપતા નથી. તેઓ જ્યારે પણ કંઈક બોલવાનો પ્રયત્ન કરે છે ત્યારે તમે તેને ટોકો છો, તેને નીચા દેખાડો છો અથવા તેને ચૂપ રહેવા કહો છો. તેથી, તેની પાસે રાત્રે વાત કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. આ દવા તમને દિવસ દરમિયાન શાંત રાખશે જેથી તમારા પતિ તેના મનમાં શું છે તે કહી શકશે અને પછી તેમણે ઊંઘમાં વાત કરવી નહીં પડે!’

આપણે જ્યારે પણ કોઈ મુશ્કેલીમાં હોઈએ કે નિરાશાજનક પરિસ્થિતિ અથવા તો પડકારજનક પરિસ્થિતિમાં હોઈએ ત્યારે આપણે તપાસવું જોઇએ કે સમસ્યાનું નિવારણ લાવવા આપણે શું કરી શકીએ છીએ.
વર્તમાન સંજોગોમાં આપણે પોતે શું ભૂમિકા ભજવી શકીએ છીએ તે પણ તપાસવું જોઇએ. બીજા લોકો સામે કામ કરવાને બદલે આપણે આગળ વધવા માટે બીજા લોકો સાથે કામ કરીએ. અન્ય લોકોની સાથે સ્પર્ધા કરવાને બદલે તેમને સહકાર આપીએ.

ભારતીય સંસ્કૃતિ આપણને ‘મિટાવવાનું નહીં પરંતુ મિલાવવાનું’ અને ‘તોડવાનું નહીં પણ જોડવાનું’ શીખવાડે છે. પરંતુ, શું તોડવાનું નહીં? આપણા સ્વાર્થ માટે બીજાના મન, હૃદય અને જુસ્સો તોડવો નહીં. આપણે બીજાના ભોગે આપણી જાતને આગળ વધારીએ ત્યારે તે પ્રક્રિયામાં આપણે સ્વાભાવિક રીતે જ તેમને નુકસાન પહોંચાડીએ છીએ. આપણે તેમની ભાવના, તેમના ઉત્સાહ અને તેમનું આત્મસન્માન તોડી નાખીએ છીએ. બીજાને નીચા દેખાડીને સફળતાની ઊંચાઈ પ્રાપ્ત કરવી જોઈએ નહીં. તેના બદલે, આપણે આપણી પોતાની પવિત્ર ક્ષમતા પરિપૂર્ણ કરવા અને આપણા પોતાના પવિત્ર ધર્મને જીવવા માટે ઉંચે ચઢવું જોઈએ.

ભગવાન રામે સીતાજીને પરત લાવવા અંગદજીને લંકામાં રાવણ પાસે મોકલ્યા ત્યારે તેમણે અંગદજીને કહ્યું, ‘કાજ હમારા તાસુ હિતા હોઈ’ (‘સીતાને બચાવવાનું તમારું લક્ષ્ય પૂર્ણ કરો, પરંતુ આ પ્રક્રિયામાં રાવણને નુકસાન કરશો નહીં. ફક્ત તેને એ સમજાવજો કે તેમણે શાંતિથી સીતાજીને પરત મોકલવા જોઈએ’.) આ પવિત્ર માર્ગ છે: તમારું કર્તવ્ય કરો, તમારું શ્રેષ્ઠ કર્મ કરો, તમારી જવાબદારીઓ પૂર્ણ કરો, પરંતુ તે કામગીરીમાં કોઈને શારીરિક કે ભાવનાત્મક રીતે નુકસાન ન પહોંચાડો.

આપણે આપણું જીવન આપણાથી શક્ય હોય તેટલું વિકસાવવું જોઇએ, આપણે શક્ય હોય તેટલું શીખવા, સેવા કરવા અને ઇશ્વર સાથેના જોડાણના અંતિમ ધ્યેયની નજીક જવા માટે સમર્પિત રહેવું જોઈએ.આપણે હરીફાઇ, ઈર્ષા, જટિલતાઓ અથવા નાની ફરિયાદોને આપણા મોટા જીવનધ્યેયના માર્ગમાં આડા આવવા દેવી જોઈએ નહીં.”

LEAVE A REPLY