ભારતમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી) દ્વારા બોલીવૂડની જાણીતી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ સામે કડક કાર્યવાહી કરી છે. કહેવાય છે કે ઠગ સુકેશના કેસમાં જેકલીન ફર્નાન્ડિઝની રૂ. સાત કરોડથી વધુની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. ઇડીએ શ્રીલંકન મૂળની જેકલીન સામે પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ કાર્યવાહી કરી છે. સુકેશ ચંદ્રશેખરના 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં નવી બહાર આવી છે. તેના વકીલે દાવો કર્યો હતો કે સુકેશ ચંદ્રશેખર અને જેકલીન એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બીજી તરફ એવો પણ દાવો થયો હતો કે સુકેશ ચંદ્રશેખરે જેકલીન અને નોરા ફતેહીને લક્ઝૂરિયસ કાર ગિફ્ટ કરી હતી.
સુકેશ ચંદ્રશેખર બેંગલોરનો રહીશ છે. કહેવાય છે કે તેણે ભવ્ય જીવન જીવવા માટે 17 વર્ષની ઉંમરે જ લોકોને છેતરવાનું શરૂ કર્યું હતું. બેંગલોરમાં ઠગાઈ કર્યા પછી તેણે ચેન્નઈ અને બીજાં શહેરોમાં પણ લોકોને નિશાન બનાવ્યા. તેના નિશાન પર ટોચના રાજનેતાઓ, બિઝનેસમેનથી લઈને બોલિવૂડ સેલિબ્રિટીઝ રહ્યા છે. સુકેશ હાઈપ્રોફાઈલ લોકોને ફોન કરીને ખુદને મોટો સરકારી અધિકારી ગણાવતો હતો. 2007માં તેણે ખુદને મોટો સરકારી અધિકારી ગણાવીને બેંગલોર ડેવલપમેન્ટ ઓથોરિટીમાં કામ કરાવવાના બદલામાં 100થી વધુ લોકોની સાથે છેતરપિંડી કરી હતી. આ મામલે સુકેશની ધરપકડ પણ થઈ હતી. જેલમાંથી છૂટ્યા પછી સુકેશે ફરી લોકોને ઠગવાનું શરૂ કર્યું હતું. સુકેશ પર 30થી વધુ કેસો નોંધાયેલા છે. કહેવાય છે કે તામિલનાડુમાં તે ખુદને પૂર્વ મુખ્ય પ્રધાનનો પુત્ર ગણાવતો હતો. તે ખુદને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન વાયએસઆર રેડ્ડીનો ભત્રીજો ગણાવીને પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી ચૂક્યો છે.